Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દશામાની મૂર્તિઓના વિસર્જન માટે સાત કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા છે. શહેરમાં દર વર્ષે શ્રદ્ધાળુઓ દ્વારા દશામાની મૂર્તિઓનું મોટી સંખ્યામાં સ્થાપન કરવામાં આવે છે, ત્યારબાદ આ મૂર્તિઓનું શ્રદ્ધાભેર તળાવના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં દર વર્ષની માફક મૂર્તિ વિસર્જન માટે તળાવની વ્યવસ્થા કરી છે.
પૂર્વ ઝોનમાં કિશનવાડી અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની બાજુમાં, હરણી હનુમાન મંદિરની સામેના કુંડમાં, પશ્ચિમ ઝોનમાં ગોરવા સ્થિત દશામા તળાવ, ભાયલી ખાતેનું તળાવ, બિલ મઢી સ્મશાન ખાતેનું તળાવ અને દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે બનાવેલું તળાવ તેમજ મકરપુરા ગામ પાસે બનાવેલા તળાવમાં શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન કરી શકશે.