અમદાવાદ,શનિવાર
ગોમતીપુરમાં મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના છ મહિના પછી પતિએ ત્રાસ આપવાનું શરુ કર્યું હતું તેમજ પત્ની ઘરખર્ચના રૃપિયા માંગે તો તકરાર કરીને મારતો હતો. સસરાએ પણ દહેજની માંગણી કરી હતી. પાંચ વર્ષ પહેલા પતિ ભાડાના મકાનમાં એકલી મૂકીને જતો રહ્યો હતો અને છૂટાછેડાનું દબાણ કરીને ફોન ઉપાડવાનું બંધ કરી દધું હતું કંટાળીને પરિણીતાએ પતિ અને સસરા સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લગ્નના છ મહિના પછી પતિએ ત્રાસ આપવાનું શરુ કર્યુ, ઘર ખર્ચના રૃપિયા માંગે તો પતિ તકરાર કરીને માર મારતો ઃ પાંચ વર્ષ પહેલા તરછોડી દીધી હતી
ગોમતીપુરમાં રહેતી મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વટવામાં રહેતા પતિ અને સસરા સામે ફરિયાદ નોધાવી છે કે સાત વર્ષ પહેલા તેમની પડોશમાં રહેતા યુવક સાથે પરિચય થયો હતો જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બન્નેએ પરિવારની મરજી વિરુધ્ધ ૨૦૧૮માં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સાથે ઇસનપુર ભાડાના મકાનમાં રહેવા ગઇ હતી. લગ્નના છ મહિના બાદ પતિ અવાર નવાર ઘરની નાની-નાની બાબતોમાં ગાળો બોલીને ઝઘડો કરતો હતો.
પત્ની ઘરખર્ચના રૃપિયા માંગે તો આપતો ન હતો અને ઝઘડો કરીને મારતો હતો. તેમજ પતિ અવાર નવાર પત્નીને એકલી મૂકીને પોતાના પિતાને ઘરે રહેવા જતો રહેતો હતો. સસરાની ચઢામણીથી પત્ની પાસે દહેજની માંગણી કરતો હતો. એટલું જ નહી પાંચ વર્ષ પહેલા પત્નીને દહેજ બાબતે માર મારીને ભાડાના મકાનમાં એકલી મૂકી જતો રહ્યો હતો. છૂટાછેડા આપવાનું કહીને દબાણ કરીને ફોન ઉપાડવાનું બંધ કરી દેતા મહિલા પિયરમાં રહેવા જતી રહી હતી.