મુંબઈ : ૯ કેરેટ ગોલ્ડને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાની બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગોલ્ડ જ્વેલરી તથા કલાકૃતિના માર્કિંગ તથા ફાઈનનેસ માટે બ્યુરો ધોરણ નિશ્ચિત કરે છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના આ નવા નિયમનું જ્વેલર્સ તથા હોલમાર્કિંગ સેન્ટરોએ પાલન કરવાનું રહેશે, એમ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
સોનાના ખરીદીમાં ગ્રાહકોને શુદ્ધતાની ખાતરી રહે તે માટે ૯ કેરેટ સોનાને પણ હવે ફરજિયાત હોલમાર્કિંગની શ્રેણીમાં આવરી લેવાયું છે. સોનાના ભાવ આજે આસમાને ગયા છે ત્યારે આ નિર્ણય આવકાર્ય હોવાનું સ્થાનિક ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
જો કે અન્ય એક નિર્ણયમાં બ્યુરોએ સોનાની ઘડિયાળ તથા પેન્સને કલાકૃતિની વ્યાખ્યામાંથી નાબુદ કર્યા છે. બીઆઈએસ એકટ, ૨૦૧૬ હેઠળ હોલમાર્કિંગની કામગીરીમાં જ્વેલરી તથા કલાકૃતિમાં સોનાના હિસ્સાની ટકાવારી જણાવતું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ અગાઉ ૨૪, ૨૨, ૨૦, ૧૮ તથા ૧૪ કેરેટ સોનાને ફરજિયાત હોલમાર્કની શ્રેણીમાં આવરી લેવાયા છે.