મૂળ જામનગર નજીકના વરણાના અને 15 વર્ષની દીકરીના પિતા એવા દિનેશ કોઠીયાએ આંતરી અભદ્ર વર્તન કર્યું : 14 વર્ષની કિશોરી સાયકલ ઉપર સ્કૂલેથી ઘરે આવતી હતી સિંગણપોરમાં સોસાયટીના ગેટ સુધી પીછો કર્યો
સુરત/ જાંમનગર : સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા ટેક્ષટાઇલ ધંધાર્થીની ધો. 9 માં ભણતી 14 વર્ષની દીકરી અઠવાડીયા પહેલા સાયકલ ઉપર સ્કૂલેથી ઘરે આવતી હતી ત્યારે એક બાઈક સવારે તેનો સોસાયટીના ગેટ સુધી પીછો કરી બાદમાં તેને અટકાવી અભદ્ર વર્તન પણ કર્યું હતું. પોલીસે મૂળ જામનગરના વતની અને સુરતમાં સીમાડા ખાતે રહેતા 47 વર્ષના હાર્ડવેર વેપારીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા ટેક્ષટાઇલ ધંધાર્થીની 14 વર્ષની દીકરી ધો. 9 માં અભ્યાસ કરે છે.તરૂણી ગત 13 મી ની બપોરે ત્રણ વાગ્યે સ્કુલેથી છૂટીને પોતાની સાયકલ ઉપર બહેનપણી સાથે ઘરે આવતી હતી ત્યારે એક બાઈક સવારે તેનો સોસાયટીના ગેટ સુધી પીછો કર્યો હતો અને તેને રસ્તા વચ્ચે અટકાવી અભદ્ર વર્તન કર્યું હતું. ગભરાયેલી તરૂણીએ આ અંગે પરિવારને જાણ કરી નહોતી.જોકે, તેની બહેનપણીના પિતા મારફતે તરૂણીના પરિવારને બનાવની જાણ થતા તેમણે તરૂણીને પૂછતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.આથી તરૂણીના પરિજને ગતરોજ દિનેશ નામના બાઈક સવાર વિરૂદ્ધ છેડતીની ફરિયાદ સિંગણપોર પોલીસ મથકમાં નોંધાવી હતી.
સિંગણપોર પોલીસે તરૂણીની છેડતી કરનાર દિનેશ સવજીભાઈ કોઠીયા ( ઉ.વ. 47, રહે.ઘર નં. 29, સ્વામીનારાયણ નગર સોસાયટી, ગુરૂકુળ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, સીમાડા, સરથાણા, સુરત. મૂળ રહે.વરણા ગામ, જી.જામનગર ) ને ઝડપી લીધો હતો.હાર્ડવેરનો વેપારી દિનેશ ખુદ 15 વર્ષની દીકરીનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.