– ગ્રામ વિકાસ એજન્સી દ્વારા
– સ્થળ, સ્થિતિનો પ્રાથમિક અહેવાલ મંગાવાયો તપાસ બાદ જરૂર જણાયે કાર્યવાહી કરાશે
નડિયાદ : ખેડા જિલ્લાના વસોમાં આવાસમાં કથિત કૌભાંડ મામલે તપાસ સોંપી દેવામાં આવી છે. ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર પ્રકરણ મામલે સ્થળ, સ્થિતિ ચકાસી પ્રાથમિક તપાસ અહેવાલ આપવા વસો ટીડીઓને આદેશ આપી દેવાયા છે. હવે આ મામલે આગામી દિવસોમાં તપાસ બાદ જ વધુ વિગતો સામે આવશે.
વસો તાલુકા પંચાયત હસ્તક પીએમએવાયજી (પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ)માં વિસ્તરણ અધિકારી સહિત અન્ય સરકારી બાબુઓ અને ગ્રામ્ય કક્ષાના જવાબદારોએ ભેગા થઈ આવાસો મંજૂર કર્યા બાદ સ્થળ પર બાંધકામ ન કરાવી અને બોગસ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરી નાણાં સેરવી લીધાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ હતી. આ સમગ્ર મામલે હવે ખેડા જિલ્લા પંચાયતના ડીડીઓ અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વસો ટીડીઓને તપાસ સોંપી દેવામાં આવી છે.
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યો છે. ફરિયાદીની પણ અરજી આજે ડીડીઓ મારફતે મળી છે, આ બાબતે વસો તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપી છે. જેમાંથી સ્થળ, સ્થિતિનો પ્રાથમિક અહેવાલ મંગાવ્યો છે. અહેવાલ બાદ વિસ્તૃત તપાસ અંગે વિચારણા કરવામાં આવશે અને જરૂર જણાયે કાયદેસરની કાર્યવાહી કરાશે.