Jamnagar Liquor Raid : જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર ગઈ રાત્રે એલસીબીની ટુકડીએ દારૂની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને 106 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂના સપ્લાયને ફરાર જાહેર કરાયો છે.
જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં મામા સાહેબના મંદિરની બાજુમાં રહેતા હિરેન રમેશભાઈ ડોડીયા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારની ઈંગ્લીશ દારૂનો જથ્થો આયાત કરીને ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડી ગઈ રાત્રે ત્રાટકી હતી. જે દરોડા દરમિયાન મકાનમાંથી 106 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને મોબાઈલ સહિત 15,600 ની માલમતા કબજે કરી લઈ મકાન માલિક હિરેન ડોડીયાની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને આ દારૂનો જથ્થો જામનગરમાં જ રહેતા રવિ ઉર્ફે ફુશ ભાનુશાળી નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જણાવ્યું હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. જેને પોલીસ શોધી રહી છે.