Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સભામાં કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સર્વેએ નવલખી વિસ્તારમાં 200 જેટલા પરિવારો ખાળકુવા પર નિર્ભર હોય અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં ડ્રેનેજ લાઈનની કામગીરી ન થતા તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.
પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ રજૂઆત કરી હતી કે, મારા વિસ્તારમાં નવલખી જીઇબી ગેટ પાસે આવેલ 200 જેટલા પરિવારો ખાળકુવા પર આધારિત જીવન વિતાવી રહ્યા છે. તેઓને વર્ષો પછી પણ ડ્રેનેજ લાઈન મળી નથી. અહીં હાલ સ્ટ્રીટ લાઈટ, રોડ તમામ સુવિધા છે પરંતુ સમયસર ખાળકુવા ખાલી ન થતા તેઓને ખૂબ મુશ્કેલી પડે છે અને વારંવાર રજૂઆત કરવી પડે છે. આ અંગે મેં અત્યાર સુધી 12 મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે, તે તમામે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને કામ કરવાની તૈયારી બતાવી છે તેમ છતાં હજી સુધી આ કામ કરવામાં આવ્યું નથી. કામ માટે એકથી દોઢ કરોડનો ખર્ચો છે તો પછી કોર્પોરેશન કેમ આ કામમાં પાછીપાની કરે છે? તે સમજાતું નથી.