Jamnagar News : જામનગરમાં એક યુવાને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને યુવકની પત્નીએ વ્યાજખોરોના ત્રાસથી તેના પતિએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, ‘મારા પતિએ જુદા-જુદા પાંચ વ્યક્તિ પાસેથી રૂ.30 લાખ વ્યાજે લીધા બાદ રૂ.40 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં આરોપી વધુ વ્યાજ અને મુદ્દલની માગણી કરી પજવણી કરવામાં આવે છે.’ કેસ મામલે પોલીસે આજે (29 સપ્ટેમ્બર) તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક નજીક ગોકુલ દર્શનની શેરી નં.3માં રહેતા લાલજીભાઈ સવજીભાઈ મારકણા (ઉં.વ.43) નામના યુવાને પોતાના ધંધા માટે કેટલાક સમય પહેલાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેનું દર મહિને દસથી 12 ટકા જેટલું લાલજીભાઈ વ્યાજ ચૂકવતા હતા. તે પછી આર્થિક સંકળામણમના કારણે લાલજીભાઈ વ્યાજ ચૂકવી નહીં શકતા ધર્મેશ રાણપરીયાએ પીડિતના કારખાને જઈ બ્રાસપાર્ટ બનાવવાના કેટલાક મશીનો બળજબરીથી મેળવી લીધા હતા.
આ ઉપરાંત, લાલજીભાઈનું અપહરણ કરીને લોઠીયા ગામમાં લઈ જઈને વીસેક દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. તેમજ આરોપીએ વ્યાજ તથા મુદ્દલ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય લાલજીભાઈએ અન્ય વ્યક્તિ જેઠાભાઈ હાથલીયા પાસેથી પણ વ્યાજે પૈસા લીધા હતા. જેઠાભાઈ પણ વ્યાજની ઉઘરાણી કરી રૂબરૂ અને ફોનમાં ધમકીઓ આપતા હતા. ઉપેન્દ્ર ચાંદ્રા નામના શખ્સ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા મેળવ્યા હતા. તેનું વ્યાજ ન આપી શકાતા ઉપેન્દ્રએ લાલજીભાઈની મોટર લઈ લીધી હતી. તે ઉપરાંત કિરીટ ગંઢા તથા હરીશ ગંઢા નામના શખ્સો પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. આ શખ્સોને પણ વ્યાજ ન આપી શકાતાં લાલજીભાઈના ભાણેજ સામે કેસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગરના કલોલમાં ત્રણ યુવકોએ તળાવમાં પડી આપઘાત કર્યો, વીડિયો બનાવી કહ્યું- ‘જિગર તો બહુ છે પણ…’
ફરિયાદ મુજબ, ઉપરોક્ત પાંચેય વ્યક્તિએ અંદાજે રૂ.30 લાખ લાલજીભાઈને વ્યાજે આપ્યા હતા. અને તેની સામે લાલજીભાઈએ રૂ.40 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં આરોપી દ્વારા વ્યાજ તેમજ મુદ્દલ કઢાવવા બળજબરી કરતા હોવાથી માનસિક ત્રાસ અનુભવતા લાલજીભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે પાંચેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.