Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદૂતનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે હત્યાનો એક બનાવ બન્યો છે, અને મૂળ ઉત્તર પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાનની સામાન્ય બોલાચાલી બાદ તેની બાજુની રૂમમાં જ રહેતા બે અન્ય પર પ્રતિય શખ્સોએ જીવલેણ હુમલો કરી દઈ હત્યા નીપજાવ્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના ફરુકાબાદ જિલ્લાના ફતેગઢના વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદુતનગરમાં રૂમ ભાડેથી રાખીને રહેતા દિલીપકુમાર મંગલસિંહ શ્રીવાસ્તવ નામના 32 વર્ષના શ્રમિક યુવાન પર તેના બાજુના રૂમમાં જ રહેતા આકાશ દીપક સિંહ તથા અવનીશ સુરેન્દ્રસિહ નામના બે શખ્સોએ લાકડી અને ગેસની નળી વડે હુમલો કરી દઈ માથામાં તથા શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાનું સામે આવતાં ચકચાર જાગી છે.
આ હત્યાના બનાવ અંગે મૃતક દિલીપ કુમારના મોટાભાઈ રાજીવ કુમાર મંગલસિંહએ મેઘપર પડાણા પોલીસ મથકમાં બંને હુમલાખોરો આકાશ અને અવનીશ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન દિલીપ પોતાની સાથેના અન્ય યુવાન સાથે મોટા અવાજે વાત કરી રહ્યો હતો. જે દરમિયાન આરોપી આકાશ કે જે પોતાના મોબાઈલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતો હોવાથી તેને ખલેલ પડતી હતી. જેથી દિલીપને ધીમે વાત કરવાનું કહ્યું હતું.
જેના પ્રત્યુત્તરમાં દિલીપે તેને દૂર જઈને મોબાઇલમાં વાત કરી લેવાનું કહેતાં આકાશ ઉશકેરાયો હતો, અને પોતાના સાથીદાર અવનીશને લઈ હથિયાર સાથે ધસી આવી આ હુમલો કરી દીધો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હોવાથી બનાવ હત્યામાં પલટાયો છે.