Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશની આકરી ટીકા કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજ્યપાલ દ્વારા વિચારણા માટે મોકલવામાં આવેલા બિલો પર સમયમર્યાદામાં કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ અંગે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતમાં ક્યારેય આવુ લોકતંત્ર નથી જોયું, જેમાં જજ પોતે કાયદાના ઘડવૈયા, કાર્યપાલક અને “સુપર પાર્લામેન્ટ” તરીકે કામ કરે છે.
રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ
રાજ્યસભાના ઇન્ટર્નનાં ગ્રૂપને સંબોધિત કરતાં ધનખડે જણાવ્યું કે, ‘તાજેતરના નિર્ણયમાં રાષ્ટ્રપતિને નિર્દેશ આપવામાં આવ્યો છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દેશમાં શું થઈ રહ્યું છે? બંધારણીય મર્યાદાઓના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરતાં ઉપરાષ્ટ્રપતિએ ઉપસ્થિત તમામ લોકોને રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા શપથની યાદ અપાવી હતી. અને ભાર મૂક્યો હતો કે રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ છે, તે સર્વોપરી છે જ્યારે અન્ય લોકો ફક્ત બંધારણનું પાલન કરવા માટે શપથ લે છે.’
ધનખડે 145 (3)ની કલમ યાદ અપાવી
ધનખડે બંધારણીય જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરીએ, જ્યાં તમે ભારતના રાષ્ટ્રપતિને નિર્દેશ આપો અને એમાં કોઈ આધાર પણ ન હોય. આવા કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટ પાસે એકમાત્ર સત્તા “કલમ 145 (3) હેઠળ બંધારણનું અર્થઘટન કરવાની” છે અને તે પણ પાંચ કે તેથી વધુ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા થવુ જોઈએ.
આ પણ વાંચોઃ ‘વક્ફ કાયદામાં કોઈ ખામી હશે તો હું રાજીનામું આપી દઈશ’, જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલનું મોટું નિવેદન
આપણા જજ હવે સુપર સંસદની જેમ કામ કરશે!
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવતાં બિલની મંજૂરી માટે સમય મર્યાદામાં કામ કરવાનો આદેશ આપતાં ઘનખડ રોષે ભરાયા હતાં. તેમણે ટીકા કરતાં કહ્યું કે, આપણી પાસે એવા જજ છે, જે કાયદો બનાવશે, કાર્યપાલિકાની જેમ કામ કરશે, સુપર સંસદની જેમ કામ કરશે. અને તેમની કોઈ જવાબદારી નહીં રહે, કારણકે, દેશનો કાયદો તેમના પર લાગુ થશે નહીં.
જસ્ટિસ વર્મા કેસની તપાસ પર પ્રશ્ન
જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળી આવેલી રોકડનો મુદ્દો ઉઠાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે નવી દિલ્હીમાં એક જજના ઘરેથી બેનામી રોકડ મળી આવી, સાત દિવસ સુધી કોઈને તેની ખબર ન પડી. કેસમાં કોઈ ખાસ કાર્યવાહી હાથ ધરાઈ નથી. શું આ વિલંબ સમજી શકાય? શું આ માફી માની લઈએ? શું આનાથી કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉભા થતા નથી?
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને કર્યો હતો આદેશ
ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યારે રાજ્યપાલ બંધારણની કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ પાસે બિલ અનામત રાખે છે, ત્યારે ત્રણ મહિનાની અંદર કાર્યવાહી કરવી આવશ્યક છે. આ સમયમર્યાદા એ નિર્ણયનો એક ભાગ હતી જેમાં તમિલનાડુના રાજ્યપાલની લાંબા સમયથી નિષ્ક્રિયતા અને રાજ્યના બિલોને મંજૂરી ન આપવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે ‘પોકેટ વીટો’ નથી અને તેમણે સમયસર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવી જોઈએ અથવા નકારી કાઢવી જોઈએ.