ચોમાસાની સ્થિતિમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે
નોટિસ બાદ પણ આવાસ ખાલી કરવામાં નહીં આવે તો કોર્પોરેશન દ્વારા ટીમો મોકલીને ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે
ગાંધીનગર : ગાંધીનગરમાં સરકારના વિવિધ કર્મચારીઓને ફાળવવામાં આવેલા
ભયજનક સરકારી આવાસો ખાલી કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ આપી દેવામાં આવી
છે ત્યારે હવે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આવા ભયજનક આવાસો ખાલી કરાવવા માટે
ઝુંબેશ શરૃ કરવામાં આવી છે જે અંતર્ગત માર્ગ મકાનના ૧૩૭ સહિત કુલ ૧૮૮ આવાસોને ખાલી
કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
પાટનગર ગાંધીનગરમાં સરકારી અધિકારી-કર્મચારીઓને સરકારી
મકાનો માર્ગ અને મકાન વિભાગ દ્ધારા ફાળવવામાં આવ્યા છે. જે આશરે ૪૫ થી ૫૦ વર્ષ
જૂના છે. જેમાંથી ઘણાં મકાનો રહેવા લાયક પરિસ્થિતિમાં ન હોઈ જર્જરિત થઇ ગયા છે. આ
જર્જરિત થયેલ આવાસોને માર્ગ અને મકાન વિભાગ દ્ધારા આશરે ૨ વર્ષથી ખાલી કરવા માટે
નોટિસો આપવામાં આવી રહી છે પરંતુ, આજદિન સુધી ઘણાં
આવાસો વસાહતીઓ દ્ધારા ખાલી કરવામાં આવેલ નથી. જેથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના
સરકારી ભયજનક આવાસો ખાલી કરાવવાની સત્તા જીપીએમસી એક્ટની ૧૯૪૯ની કલમ ૬૪ મુજબ
મ્યુનિસિપલ કમિશનરની થતી હોવાથી આજે મહાનગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગના
૧૩૭ જર્જરીત આવાસમાં રહેતા રહીશોને મકાન ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે
તેની સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ૫૧ મકાન ધારકોને પણ જર્જરિત મકાન ખાલી કરી દેવા
નોટિસ આપવામાં આવી છે જો નોટિસ બાદ પણ આ મકાન ખાલી કરવામાં નહીં આવે તો
મહાનગરપાલિકાની ટીમો દ્વારા મકાન ખાલી કરાવવામાં આવશે ગત વર્ષે પણ આ જ પ્રકારે
મહાનગરપાલિકા દ્વારા મકાનો ખાલી કરાવવા માટે ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી અને
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩૦૦ થી વધુ જર્જરીત આવાસ ખાલી કરાવી દેવામાં આવ્યા
હતા. હાલ ચોમાસાની સ્થિતિમાં વરસાદને કારણે આ જર્જરીત આવાસો વધુ જોખમી બની જતા હોય
છે તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું
હતું.