મિત્રતાના નાતે ૬૦ લાખ રૃપિયા ઉછીના લીધા બાદ
આરોપીને ૬૦ લાખ રૃપિયા વળતર સહિત ચૂકવવા માટે ગાંધીનગર કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૩માં રહેતા મિત્રએ પાટણમાં રહેતા
મિત્રને ૬૦ લાખ રૃપિયા ઉછીના આપ્યા હતા અને જે પેટે આપવામાં આવેલા ૫૫ લાખ રૃપિયાના
ચેક રિટર્ન થતા ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે કોર્ટ
દ્વારા આરોપીને એક વર્ષની કેદને ૬૦ લાખ રૃપિયા વળતર સહિત ચૂકવવા હુકમ કરવામાં
આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર-૩ બી
ખાતે પ્લોટ નંબર ૧૩૫૬/૧માં રહેતા હર્ષલકુમાર બાબુભાઇ ચૌહાણ અને શાલીગ્રામ લેક વ્યુ
વૈષ્ણોદેવી પાસે રહેતા હિતેશકુમાર વિનોદભાઇ સોની વર્ષોથી મિત્રો હતા. આ દરમિયાન
હિતેશ સોનીને ધંધા માટે રૃપિયાની જરૃરિયાત ઊભી થઈ હતી અને તેણે હર્ષલભાઈને
રૃપિયાની મદદ કરવા માટે કહ્યું હતું. જેથી હર્ષલભાઈના પિતાના અવસાન બાદ સરકારમાંથી
૬૦ લાખ રૃપિયા મળ્યા હતા. જે તેમણે હિતેશભાઈને આપ્યા હતા અને છ મહિનામાં તેણે
રૃપિયા પરત કરી દેવાનો વાયદો પણ કર્યો હતો. જેથી રૃપિયાની મુદત પુરી થતા મિત્રએ
પરત માંગ્યા હતા. જેનાં પગલે હિતેશે પહેલા ૫ લાખ આરટીજીએસ કર્યા હતા અને બાકીની
રકમમાં ૩૫ લાખ અને ૨૦ લાખનો ચેક લખી આપ્યા હતા. ચેક આપવામાં આવતા મિત્રએ બંને ચેક
બેંકમાં તેના ખાતામાં જમા કરાવતા ઓછા બેલેન્સના કારણે પરત થયા હતા. જેથી હર્ષલ
દ્વારા તેના મિત્રને ચેક પરત થયો હોવાની વાત કરતા યોગ્ય જવાબ આપવામાં નહિ આવતા
વકીલ ભરતભાઇ વી. પંડયા મારફતે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટમાં
જરૃરી આધાર પુલાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા જેના પગલે કોર્ટ દ્વારા આરોપી હિતેશ
સોનીને એક વર્ષની કેદની સજા અને ૬૦ લાખ રૃપિયા વળતર સહીત ચૂકવવા માટે આદેશ કરવામાં
આવ્યો હતો.