વડોદરા, તા.21 શહેરના સમા વિસ્તારમાં વડાપ્રધાન આવાસ યોજનાના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ રૃા.૭.૮૧ લાખનું બિલ આવતાં ત્રણ સભ્યોનો પરિવાર ચિંતામાં આવી ગયો છે.
સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસના મકાનમાં ઉષાબેન પટેલના નામે વિજ કનેક્શન છે. ત્રણ મહિના પહેલા એમજીવીસીએલ દ્વારા તેમના ઘરે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું હતું. સ્માર્ટ મીટર લગાવ્યાને ત્રણ માસ બાદ પહેલું બિલ રૃા.૭.૮૧ લાખ મળતાં તેઓ તેમજ પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. પરિવારના સભ્ય નયનભાઇ પટેલે જણાવ્યું હતું કે, મારા ઘરે ત્રણ માસ પહેલાં સ્માર્ટ મીટર લગાવવામા આવ્યું હતું. આજે મોબાઇલ એપ્લિકેશન ઉપર રૃા.૭.૮૧ લાખનું વીજ બિલ આવ્યું હતું. આથી મેં મેઇલ ચેક કરતાં તેમાં પણ રૃા.૭.૮૧ લાખ બિલ બતાવતું હતું.
આ અંગે મેંં એમજીવીસીએલના કસ્ટમર કેરમાં ફોન કરી તપાસ કરતાં ત્યાંથી પણ બિલ બરાબર હોવાનો જવાબ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે જૂના મીટરમાં એવરેજ રૃા.૧૫૦૦ થી રૃા.૨૫૦૦ લાઇટ બિલ આવતું નથી. આ અંગે સમા સબ સ્ટેશનના નાયબ ઈજનેર ભાવિન રાણાએ જણાવ્યું હતું કે, વીજ ગ્રાહક ઉષાબેન પટેલને જે બિલ મળ્યું છે. તે સિસ્ટમની ભૂલના કારણે મળ્યું છે તેમનું બીલ રૃપિયા ૫૦૦૦ છે.