વડોદરા, તા.21 વોઘાડિયા તાલુકાના એક ગામમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ છ માસ સાથે રહીને દુષ્કર્મ આચરી અંગળ પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા યુવાનને બિહાર પહોંચીને જિલ્લા પોલીસની ટીમે ઝડપી પાડયો હતો.
બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયા બાદ પ્રિયાંશુ ઉર્ફે હર્ષ કૌશિકભાઇ પાંડે (રહે.હરપુર રેવાડી, જિલ્લો સમસ્તીપુર, બિહાર) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરપ્રાંતિય વિદ્યાર્થિનીને વડોદરા નજીકની કોલેજમાં પ્રવેશ મળતાં તે અહી રહેવા માટે આવી હતી અને ભાડાના મકાનમાં રહેતી હતી ત્યારે પ્રિયાંશુ ઉર્ફે હર્ષ પણ નોકરીના બહાને રહેવા આવી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં પ્રિયાંશુ આક્ષેપો કરીને વિદ્યાર્થિની પર ત્રાસ ગુજારવા લાગતા તેને ભાડાના ઘરમાંથી કાઢી મૂકતા તે દિલ્હી ગયો હતો અને ત્યાંથી ફોન કરી ધમકી આપતો હતો કે ત્રણ લાખ આપીશ તો તારી લાઇફમાંથી જતો રહીશ એટલું જ નહી અંગત પળોના વીડિયો તેમજ ફોટા વિદ્યાર્થિનીના મિત્ર વર્તુળ તેમજ પરિવારજનોને મોકલવા કહ્યુ હતું.
ઉપરોક્ત ફરિયાદ બાદ જિલ્લા પોલીસની એક ટીમ પ્રિયાંશુની ધરપકડ માટે બિહાર તેના વતનમાં ગઇ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઇ રાત્રે તેને ઊંઘતો ઝડપી પાડયો હતો. તેને જરોદ લાવીને વાઘોડિયાની કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. પ્રિયાંશુએ અન્ય કોઇ યુવતીને પ્રેમજાળમાં ફસાવી છે કે નહી તેમજ અન્ય કોઇની સંડોવણી છે કે નહી તેની તપાસ હાથ ધરી છે.