વડોદરા : લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવતી
ગર્ભવતી થતાં તેને ધાકધમકી આપી ગર્ભપાત કરાવવાના બનાવમાં સંડોવાયેલા કોંગી
અગ્રણીના પુત્રએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની
અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ભોગ બનનારી પીડિતાએ તા.૧૪ મે ૨૦૨૫ના રોજ
નંદેસરી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના અગ્રણીના પુત્ર અનિરુદ્ધસિહ રાજેન્દ્રસિંહ
ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ તેને લગ્નની લાલચ
આપી હતી અને ત્યાર બાદ વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે ગર્ભવતી થતાં
આરોપી તેને વિવિધ હોસ્પિટલમાં ગર્ભપાત માટે લઇ ગયો હતો અને ત્યાર બાદ આણંદના રાજ
નર્સિંગ હોમમાં તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી
આરોપી અનિરુદ્ધસિંહ ગોહીલની ધરપકડ કરી હતી.
આરોપી કોંગી અગ્રણી રાજેન્દ્રસિંહના પુત્ર તેમજ ભાજપના ધારાસભ્ય
ગોવીંદભાઇ પરમારના ભાણેજ થાય છે. હાલ જેલમાં રહેલા આરોપી અનિરુદ્ધસિંહ ગોહીલે
રેગ્યુલર જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકારી વકીલ ડી.જે.નારીયેળવાલાએ દલીલો
કરી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી રદ કરી
હતી.