Vice President Jagdeep Dhankar Resigns: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે (21મી જુલાઈ) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ જણાવી હતી. હવે પ્રશ્ન એ છે કે, એવી કઈ બીમારીઓ હતી જેના કારણે તેમને આટલો મોટો નિર્ણય લેવો પડ્યો? ત્યારે તેના વિશે વિગતવાર જાણીએ….
જગદીપ ધનખરે રાજીનામું કેમ આપ્યું?
જગદીપ ધનખરે 21મી જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે ‘બંધારણના અનુચ્છેદ 67 (A)માં આપવામાં આવેલ આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.’ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંસદ સભ્યોનો તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થન બદલ આભાર માન્યો હતો. જો કે, તેમના પત્રમાં તેમની બીમારી વિશે ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી.
આ બીમારીને કારણે પદ છોડ્યું?
અહેવાલો અનુસાર, જગદીપ ધનખરને નવમી માર્ચ 2025ના રોજ છાતીમાં અચાનક દુ:ખાવો થતા દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં રાખવામાં આવ્યા હતા અને એક કાર્ડિયોલોજિસ્ટની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. તે સમયે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને 12મી માર્ચે રજા આપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તેમની જગદીપ ધનખર સંપૂર્ણપણે સ્વસ્થ થઈ નથી, કારણ કે આ પછી પણ તેમની તબિયત બગડતી રહી.
આ પણ વાંચો: આરોગ્ય જ કારણ કે પછી રાજકીય ખેલ? જગદીપ ધનખડના રાજીનામાં પર કેમ ઉઠી રહ્યા છે સવાલ
સૂત્રોના જણાવ્યાનુસાર, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને હૃદયની ગંભીર સમસ્યા હતી, જેની સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને આ વર્ષની શરૂઆતમાં નૈનિતાલમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જોકે, તેમની બીમારીની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે, એ સ્પષ્ટ છે કે તેમની તબિયત એટલી ખરાબ હતી કે ડોક્ટરોએ તેમને તણાવથી દૂર રહેવા અને આરામ કરવાની સલાહ આપી હતી.
ધનખડની રાજકીય કારકિર્દી
ધનખડની રાજકીય કારકિર્દી 1989માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ જનતા દળની ટિકિટ પર ઝુંઝુનુ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે ચંદ્રશેખરની સરકારમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી. 1991માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને 1993માં કોંગ્રેસની ટિકિટ પર રાજસ્થાનના કિશનગઢથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 2003માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં તેમની પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જ્યાં તેમણે જુલાઈ 2022 સુધી સેવા આપી.