વડોદરા : ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી
નહી કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા લાંચની માંગણી કરવાના બનાવમાં એસીબીએ બે
આચાર્ય અને બે નિવૃત્ત શિક્ષકની એસીબીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
એક નિવૃત્ત શિક્ષકે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, ડભોઇ તાલુકામાં કુલ ૨૦ ગૃપ પ્રાથમિક શાળાઓ
આવેલી છે. આ શાળાઓનું વર્ષ ૨૦૨૧-૨૨નું
ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઇ સોલંકી (રહે.ગોત્રી) દ્વારા મે-૨૦૨૫માં
કરવામાં આવ્યું હતું. દરેક શાળાના આ ઓડિટમાં કોઇ ક્વેરી નહી કાઢવા માટે વસઇ પ્રાથમિક
શાળાના આચાર્ય ઘનશ્યામભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલે એક ગૃપ શાળાના રૃા.૨ હજાર પ્રમાણે ૨૦
ગૃપ શાળાઓ માટે ઓડિટરને રૃા.૪૦ હજાર આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગૃપ આચાર્યો
પાસે રૃા.૨ હજારની માંગણી કરી હતી અને તે અંગેનો મેસેજ વોટ્સએપ ગૃપમાં પણ મુક્યો
હતો.
આ કેસમાં એસીબીએ તા. ૨ જુલાઇ ૨૦૨૫ના રોજ ઘનશ્યામભાઇ પટેલ (વસઇ
પ્રાથમિક શાળા,
આચાર્ય), બુધ્ધિસાગર સોમાભાઇ પટેલ (નિવૃત્ત
શિક્ષક), મહેન્દ્રસિંહ સોલંકી (ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા,
આચાર્ય) અને મુકુંદભાઇ ચૌહાણ (નિવૃત્ત શિક્ષક)ની ધરપકડ હતી. પોલીસ
ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા નિવૃત્ત શિક્ષક બુધ્ધિસાગર સોમાભાઇ પટેલ જામીન અરજી
મુકતા સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલો કરી હતી. ન્યાયાધીશે બન્ને
પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.