કોઠી ચારરસ્તા પાસે થયેલ યશ ઠાકુર હત્યા કેસમાં પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા બાદ આજે તેમનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું હતું. પોલીસે આરોપીએ કઈ રીતે યશની હત્યા કરી અને હત્યા કર્યા બાદ શું કર્યું હતું તે તમામની ઝીણવટભરી વિગતો એકઠી કરી હતી.
તરસાલી ખાતે ઈંડાની લારી પર કામ કરતા 26 વર્ષીય યશ ઠાકુરની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ભીમબહાદુર ગોપાલબહાદુર સોની (રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી /મૂળ રહે – નેપાળ) અને મેહુલ મહેશભાઈ માળી(રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી)ની પોલીસે ધરપકડ કર્યા બાદ ગુનાની વધુ તપાસ માટે બંનેના અદાલત પાસેથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ ચાકુ, ટુ વ્હીલર , લોહીના ડાઘાવાળા કપડા તથા મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. દરમ્યાન આજે પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે ત્રણેવ મિત્રો તરસાલીથી ભેગા થઈ સયાજી હોસ્પિટલના ગેટની બહાર આવેલી ચ્હાની લારી પર ગયા હોય અને ત્યારબાદ કોઠી ચાર રસ્તા સુધીના સમગ્ર રૂટ ઉપર થયેલ ગતિવિધિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન બંને આરોપીઓએ ઘટનાનું પોલીસ સમક્ષ વર્ણન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, ચાલુ સ્કૂટર ઉપર ટપલી દાવની મજાક મસ્તીમાં ભીમ બહાદુર અને યશ વચ્ચે ઝઘડો થતા ભીમબહાદુરએ યશના ગળા નીચે છાતીના ભાગે ચાકુનો ઘા ઝીંકી દેતા યશનું મોત નીપજ્યું હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી.