આજે રાષ્ટ્રીય વહાણવટા દિવસ : ભારતનું પહેલુ શીપ 5મી એપ્રિલ 1919માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યું હતુ તેનાં સ્મરણરૂપે 1964થી રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાય છે : વેરાવળ બંદરે માલસામાનની આયાત – નિકાસ કરતી સ્ટીમરોના ભૂંગળાં સતત વાગતા રહેતા
પ્રભાસપાટણ, : સમગ્ર દેશના દરિયાઈ બંદરો તા. 5 એપ્રિલે રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવશે ત્યારે નોંધનીય છે કે સોમનાથ બંદર તથા વેરાવળ બંદરનો એક સમયે જમાનો હતો. મહાભારત કાળથી સોમનાથ પ્રસિધ્ધ બંદર હતું અને તેનો વેપાર ચીનથી ઝાંઝીબાર સુધી વિસ્તરેલો હતો. વેરાવળ બંદરે માલસામાનની આયાત નિકાસ કરતી સ્ટીમરોના ભૂંગળાં સતત ગુંજતા રહેતા હતાં.
ઈતિહાસવીદના મતે હજારો વર્ષ પૂર્વથી પરમ વૈભવનો સાગર સોમનાથમાં ઉછળતો હતો અને સાગરને રત્નાકર એટલા માટે કહેવાતો કે જગત આખામાંથી વિવિધ પ્રકારના રત્નો લઈ વહાણો અહીં લાંગરતા. અરબસ્તાનથી ચીન સુધી રોમ બેબીલોન સહિતના દેશ પરદેશના સાગર ખેડુ વેપારીઓ પોતાનો માલ લઈ અહીંની સમૃધ્ધિમાં વધારો કરતા. વેરાવળ સી.આઈ. એફ.ટી.ના વરિષ્ટ વૈજ્ઞાાનિક કહે છે કે અમારી પાસે પ્રાચીન સમયના વહાણોના મોડલોનું અનોખુ સંગ્રહાલય છે, જેમાં વહાણો ઉપરાંત જે તે કાળમાં વપરાતા અન્ય ઉપકરણોની મોડલ સ્વરૂપે ઝાંખી કરાવે છે. ભારતનું પહેલુ શીપ 5મી એપ્રિલ 1919માં મુંબઈથી લંડન વિદેશાગમન કર્યું હતુ. તેનાં સ્મરણરૂપે 1964થી રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાય છે.
વેરાવળ બંદરનો એક સમયે સુવર્ણકાળ હતો અને લાખો ટન માલની આયાત નિકાસ થતી પરંતુ 1997 પછી ઝાંખપ આવી અને 2003 પછી તો વિદેશી સ્ટીમર એકપણ આવી નથી. 1950 ના દાયકામાં ખોળ, સિંગદાણા, કપાસ, ચોખા, તેલ, તેલીબીયાં, તલ સહિતની પરંપરાગત જણસીઓની નિકાસ અહીંથી થતી હતી. 1960 અહીંથી ઈંગ્લેન્ડ, યુગોસ્લાવીયા, જર્મની, પોલેન્ડ, રશિયા વગેરે દેશો સાથે ખોળનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ થયો હતો. 2003 માં અહીં છેલ્લી વિદેશી સ્મીટર આવી હતી. ત્યારબાદ કોઈ વહાણ કે સ્ટીમર વ્યાપારી પ્રવૃત્તિ માટે લાંગર્યા નથી. વેરાવળ બંદર હાલ માત્ર ફીશરીઝ બંદર છે.