India Crypto Boom: સરકારે 2023-24માં ક્રિપ્ટોકરન્સી અર્થાત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સથી થતા નફા પર આવકવેરાના રૂપમાં રૂ.437.43 કરોડ વસૂલ્યા છે. મુંહ મેં રામ બગલ મેં છૂરીની કેન્દ્ર સરકારની ક્રિપ્ટો કરન્સીની પોલિસીમાં વર્ચ્યુઅલ કરન્સીના રોકાણ પરના નફામાં ઈન્કમ ટેક્સ પેટે આવક એક જ વર્ષમાં 63% વધી છે તેમ નાણા મંત્રાલયે એક રિપોર્ટમાં જણાવ્યું છે.
એક જ વર્ષમાં ટેક્સ વસૂલાત 63 ટકા વધી
સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે 2022-23માં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સથી ઈન્કમ ટેક્સ પેટે થતી આવક પર વસૂલવામાં આવતો ટેક્સ રૂ.299.09 કરોડ હતો. 2023-24માં આ વસૂલાત વધીને રૂ.437.43 કરોડ થયો છે.
ડિજિટલ એસેટ્સના વેચાણ દ્વારા થતા નફા પર ફ્લેટ 30% ટેક્સ વસૂલાત
ચૌધરીએ જણાવ્યું હતું કે 2024-25 માટેનો ડેટા હજુ ઉપલબ્ધ નથી કારણ કે આ વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ હજી દૂર છે. ભારતમાં હાલમાં ક્રિપ્ટોનું નિયમન કરતો કોઈ કાયદો નથી, પરંતુ સરકારે એપ્રિલ 2022થી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના વેચાણ દ્વારા થતા નફા પર ફ્લેટ 30% ટેક્સ વસૂલાતની જાહેરાત કરી છે.
2022થી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝકશનો પર 1% ટીડીએસ વસૂલાત પણ શરૂ
જોકે આ એસેટના વેચાણ પર થયેલા નુકસાનને અન્ય કોઈપણ આવક સામે સેટ-ઓફ કરવાની અથવા આગળ વધારવાની પરવાનગી નથી. પાછળથી જુલાઈ, 2022થી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝકશનો પર 1% ટીડીએસ વસૂલાત પણ શરૂ થઈ હતી. સરકાર ક્રિપ્ટો કરન્સી સંબંધિત ટ્રાન્ઝેકશનમાં કરચોરી શોધવા અને તપાસ માટે ડેટા એનાલિટિક્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે.
વિશ્લેષણમાં નોન-ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ, પ્રોજેક્ટ ઈનસાઈટ અને આવકવેરા વિભાગના આંતરિક ડેટાબેઝનો ઉપયોગ સામેલ છે, જેથી ક્રિપ્ટો વ્યવહારો પર ઉપલબ્ધ માહિતીને કરદાતા દ્વારા આવકના રિટર્નમાં જાહેર કરાયેલા વ્યવહારો સાથે સાંકળવામાં આવે તેમ પંકજ ચૌધરીએ જણાવ્યું હતું.
એક ટેક પોલિસી થિંક-ટેન્કના ડિસેમ્બર 2024ના એક પેપર મુજબ ડિસેમ્બર 2023થી ઑક્ટોબર 2024 સુધીના સંબંધિત ટ્રાન્ઝેક્શન ડેટાના વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતીયોએ ઓફશોર ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ પર રૂ.2.63 લાખ કરોડથી વધુનો વેપાર કર્યો છે, જે ઓફશોર પ્લેટફોર્મ્સ દ્વારા ચૂકવવામાં આવતા રૂ.2634 કરોડથી વધુ ટીડીએસને અનુરૂપ છે. તેમનો અંદાજ છે કે આગામી પાંચ વર્ષોમાં ઓફશોર પ્લેટફોર્મ્સ પર ભારતીયો દ્વારા કુલ ક્રિપ્ટો ટ્રેડિંગના બિન-એકત્રિત ટીડીએસની રકમ રૂ.17,000 કરોડથી વધુ થઈ શકે છે.