Gold Price All Time High: વૈશ્વિક સ્તરે અનિશ્ચતતાના વાદળો વચ્ચે સોના-ચાંદીના ભાવ ફરી એકવાર ઊંચકાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રૅકોર્ડ સ્તરે ક્વોટ થઈ રહેલા સોનાના ભાવ આજે ઉછળી ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે ટેરિફની ચીમકીથી કિંમતી ધાતુમાં તેજી આવી છે. ઈક્વિટી, ફોરેક્સ માર્કેટમાં વોલ્યુમ ઘટતાં હેજિંગ માટે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે.
અમદાવાદમાં સોનું ઓલ ટાઈમ હાઈ
અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 1000 ઉછળી રૂ. 103500 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઇમ હાઇ` સપાટીએ પહોંચ્યો છે. 995 સોનાની કિંમત પણ રૂ. 1000 વધી રૂ. 103200 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચી છે. ચાંદી પણ રૂ. 2500 ઉછળી રૂ. 117500 પ્રતિ કિગ્રાની રૅકોર્ડ ટોચે પહોંચી છે. અમેરિકા-ઈયુ વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતાઓ ઘટતાં વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાઈ છે. ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં હોવા છતાં હજી કોઈ પરિણામ આવ્યું નથી.
વૈશ્વિક સ્તરે સોનામાં કરેક્શન
યુએસ-જાપાનની ડીલની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં નજીવુ કરેક્શન જોવા મળ્યું હતું. આજે ઇન્ટ્રા ડે 3451.70 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએથી સોનું 6.80 ડૉલર તૂટી 3436.60 ડૉલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.
સોના-ચાંદીના ભાવ ઘટવાની વકી
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ટેરિફ બોમ્બ સામે વિવિધ દેશો સાથે સમાધાન થવાની જાહેરાતો આર્થિક સ્થિરતાના સંકેત આપે છે. આજે અમેરિકા અને જાપાને 15 ટકા ટેરિફ સાથે ટ્રેડ ડીલ પર સહમતિ અન્ય દેશો માટે આશાનું કિરણ બન્યું છે. વધુમાં સોના-ચાંદીના રૅકોર્ડ ભાવોના કારણે પ્રોફિટ બુકિંગ વધવાની શક્યતા છે. પરિણામે આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં નજીવુ કરેક્શન નોંધાવાની સંભાવના કોમોડિટી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.