મુંબઈ : વિશ્વબજારમાં કિંમતી ધાતુમાં તેજીનું જોર જળવાઈ રહેતા ઘરઆંગણે પણ સોનાચાંદીમાં રેકોર્ડ તેજીની આગેકૂચ જારી રહી હતી. મુંબઈ બજારમાં ચાંદીએ જીએસટી સાથે નવો ઊંચો ભાવ દર્શાવ્યો છે. વિશ્વ બજારમાં સોનાના ભાવે ૩૪૦૦ ડોલરની સપાટી કુદાવી હતી.
રોજેરોજ નવા ઊંચા ભાવથી તેજી કયાં જઈને અટકશે તે કહેવું મુશકેલ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમા ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. વેપાર ઘર્ષણની ચિંતાએ ક્રુડ તેલનો વપરાશ ઘટશે તેવી ધારણાંએ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે સોમવારે રૂપિયા ૯૮૮૯૬ રહ્યા હતા તે મંગળવારે વધી ૯૯૫૦૮ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ જીએસટી વગર રૂપિયા ૯૯૧૧૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૦ જેટલા વધી રૂપિયા ૧,૧૪,૪૯૩ બોલાતા હતા. જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા ગણવામાં આવતા ભાવ વિક્રમી જોવા મળી રહ્યા છે.
અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીમાં ટકેલુ વાતાવરણ હતું જ્યારે સોનામાં રૂપિયા ૧૦૦૦નો ઉછાળો જોવાયો હતો. સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જે સોમવારે રૂપિયા ૧૦૧૫૦૦ હતા તે વધી રૂપિયા ૧૦૨૫૦૦ કવોટ થતા હતા. ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૨૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૧૫,૦૦૦ ટકેલા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના પ્રતિ ઔંસ ભાવ ઉપરમાં ૩૪૦૨ ડોલર થઈ ઉછાળે વેચવાલી આવતા મોડી સાંજે ૩૩૯૪ ડોલર થયા બાદ ફરી ૩૪૦૦ ડોલરને પાર કરી ગયા હતા. ચાંદી ઔંસ દીઠ ૩૯ ડોલરની નજીક પહોંચી ગઈ હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઓંસ દીઠ ૧૪૪૭ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૬૫ ડોલર મુકાતુ હતું.
અમેરિકા તથા યુરોપ વચ્ચે વેપાર ઘર્ષણ થવાની ચિંતાએ ક્રુડ તેલનો વપરાશ ઘટશે તેવી ધારણાંએ ક્રુડ તેલમાં નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૬.૫૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૮.૮૪ ડોલર મુકાતુ હતું.