Banaskantha News : ગુજરાતના GSRTC બસ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુંવારસી નજીક ખેડબ્રહ્માથી ધાનેરા જતી ST બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, બસ અચાનક ગરમ થઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં 10થી લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અંબાજી અને દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને દાંતા મામલતદાર અને હડાદ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ખેડબ્રહ્માથી ધાનેરા જતી ST બસને નડ્યો અકસ્માત
પ્રાપ્ત વિગત મુજબ, બનાસકાંઠાના અંબાજી નજીક કુંવારસી નજીક ખેડબ્રહ્માથી ધાનેરા જતી ST બસ આજે (23 જુલાઈ) બપોર બાદ દાંતા તાલુકાના કુંવારસી ઘાટી નજીક રોડથી નીચે ઉતરી ગઈ હતી. આ મામલે બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, ‘બસ પહેલા અચાનક ગરમ થઈ જતાં બંધ થઈ ગઈ હતી અને રોડની નીચે જતી ઉતરી ગઈ હતી.’
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો
અકસ્માતની ઘટનામાં બસ 50 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. જેથી બસના મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માતને લઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે આવી જતાં ઈજાગ્રસ્તોને તાબડતોબ દાંતા અને અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જોકે, અકસ્માતના બનાવમાં કોઈ મોટી વધુ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.