Gandhinagar Water Cut: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દરેક ઘરે નર્મદાના નીર પહોંચ્યા પછી પ્રથમવાર 48 કલાક માટે પીવાના પાણીનો સપ્લાય આગામી તારીખ 24 અને 25મી જુલાઇએ બંધ રહેવાનો છે. 24 કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી લેવાનું અનિવાર્ય બન્યું છે. આ દરમિયાન જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે, તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે, તેવા ચરેડી વોટર વર્કસમાં વિવિધ નવી મશીનરી લગાડવાની સાથે તેને મેઇન લાઈન સાથે જોડાણ આપીને યાંત્રિક ક્ષમતામાં વધારો કરાશે. આમ કરવાથી પાણી ઉપાડવાની ક્ષમતા 140થી વધી 240 એમએલડીએ પહોંચશે.
પાટનગરમાં મીટર મુકીને ત્રીજા માળ સુધી તથા 24 કલાક પાણી પહોંચાડવાની યોજના સંબંધી મોટાભાગની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઉપરાંત પાણીના શુદ્ધિકરણ અને વિતરણ માટે જરૂરી ક્ષમતાઓ વધારવામાં આવી છે. હવે ચરેડી હેડ વર્કસમાં વાલ્વ બદલવાની કામગીરી તેમજ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર, શહેર માટે 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટ માટે સંપના આંતરીક જોડાણની કામગીરી કરવાની છે.
આ ઉપરાંત નભોઈ પમ્પિંગ સ્ટેશનમાં ગાંધીનગર તાલુકા માટે નભોઈ પમ્પીંગ સ્ટેશન ખાતે નવી પમ્પીંગ મશીનરી ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી કરવાની છે. તેના માટે તારીખ 24 અને 25 જુલાઈ એમ બે દિવસ માટે પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે, તેમ પાણી પુરવઠા બોર્ડના ઈજનેરી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે મહાપાલિકાના સૂત્રો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, કે બે દિવસ માટે પાણી પુરવઠામાં વિક્ષેપ રહેશે અથવા ઓછા ફોર્સથી પાણી આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં પાટનગરના શહેરી વિસ્તાર માટે 85 એમએલડી જેટલો અનેથર્મલ પાવર સ્ટેશન સહિત ઔદ્યોગિક વિસ્તારની સામેલગીરી સાથે કુલ 140 એમએલડી જેટલો પાણીનો જથ્થો નભોઈ પમ્પિંગ સ્ટેશન પરથી ઉપાડવામાં આવે છે. નવી મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી પુરી થતાં આ ક્ષમતા 240 એમએલડીની થઈ જવાથી 24 કલાક પાણી આપવાની યોજના પણ વિક્ષેપ રહિત અમલી કરી શકાશે.
આ પણ વાંચો: ‘ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી…’ અમરેલીના આ ગામમાં બારેમાસ ભરેલા રહેતા પાણીથી હાલાકી, ગ્રામજનોએ પીડા ઠાલવી
પાણીની સંગ્રહ ક્ષમતા ન હોય તેવા વિસ્તારોમાં ટેન્કરો દોડાવવા તૈયારી
ગાંધીનગર શહેર સહિત વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આપવાની સ્થિતિમાં અથવા વોટર વર્કસમાં સમારકામ કરવાના થાય ત્યારે એક દિવસ માટે પાણી પુરવઠો ખોરવાઈ જાય તો પણ કેટલાક વિસ્તારોમાં પાણીની બુમ પડી જતી હોય છે. પરંતુ આ વખતે 48 કલાક માટે એટલે કે સળંગ બે દિવસ માટે પાણીનો સપ્લાય બંધ રાખવાની જાહેરત કરવામાં આવી છે. ત્યારે એવા વિસ્તારો પણ છે, જયાં રહેતા વસાહતીઓ પાસે પાણીનો જતી કલાક મોટો જથ્થો સંગ્રહ કરવાની વ્યવસ્થા નથી. તેને ધ્યાનમાં રાખી જયાં જરૂર હોય ત્યાં ટેન્કરો મોકલીને પાણી પહોંચાડવા તૈયારી રખાઇ છે.
એક દિવસથી વધુનો પાણીનો કાપ નગરવાસીઓએ અનુભવ્યો જ નથી
પાટનગરમાં નર્મદા કેનાલ આધારિત પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી તેને બે દાયકા જેવો સમય વીતી ગયો છે. તેના પહેલાના દિવસોમાં અહીં પીવાના પાણીની વ્યવસ્થા બોર આધારિત હતી. સેક્ટર ૧થી ૩૦માં પાણીના બોર કરવામાં આવ્યા હતાં. તેમાંથી પાણી ઉપાડીને વોટર વર્કસ પર પહોંચાડાયા બાદ દરેક પરે વિતરણ કરવામાં આવતું હતું. જોકે એ દિવસોમાં અત્યારનો જેટલો પાણીનો જથ્થો મળતો ન હતો અને પાણીની કાયમી વ્યવસ્થા ગોઠવવા માટે આંદોલન પણ થયા હતાં. પરંતુ નર્મદાનું પાણી આવ્યા બાદ પ્રથમવાર આવો પાણી કાપ આવ્યો છે.
રહેણાંકની સાથે સરકારી કચેરીઓ, ઉદ્યોગ અને વ્યાપાર ગૃહો સામેલ
પાણીનો સપ્લાય 48 કલાક માટે બંધ રહેવાની વાત માત્ર રહેણાંક વિસ્તાર પુરતી સિમિત રહેવાની નથી. પરંતુ સચિવાલય સહિત સરકારી કચેરીઓ અને વ્યાપર તથા ઉદ્યોગ ગૃહોને પણ તારીખ 24મી અને ૨૫મી જુલાઈએ પાણી મળવાનું નથી. આ સ્થિતિ અનિવાર્ય હોવાના કારણે જ સોમવારે પાણી પુરવઠા બોર્ડની ગાંધીનગર કચેરીમાં પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં પુરવઠા બોર્ડ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંયુક્ત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.