ગાંધીનગર એસીબીની સિવિલ હોસ્પિટલ પાસે ટ્રેપ
અપીલ માટે કરાયેલી અરજીના ખોવાયેલા કાગળો પરત આપવા રૃા.૧૮ હજારની લાંચ વચેટીયા મારફતે લીધી
ગાંધીનગર : કલોલમાં ત્રણ વર્ષ અગાઉ ૨.૬૦ લાખ રૃપિયાની લાંચ લેતા
ઝડપાયેલા નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દહેગામ મુકાયો હતો ત્યારે અહીં પણ ખોવાયેલા
કાગળો પરત અપાવવા માટે ૧૮ હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબી દ્વારા ઝડપી લેવામાં
આવ્યો છે અને તેના વચેટિયાની પણ ધરપકડ કરવામાં આવી છે.
લાંચિયા અધિકારી કર્મચારીઓને પકડીને એસીબી દ્વારા જેલના
સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે તેમ છતાં લાંચ લેવાની પ્રવૃત્તિ બંધ થતી નથી.
એટલું જ નહીં હવે તો લાંચના ગુનામાં ઝડપાઈને સસ્પેન્ડ થયેલા અધિકારીઓ હજી પણ
લાંચની પ્રવૃત્તિ બંધ કરતા નથી. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગત ૨૫
એપ્રિલ ૨૦૨૨ના રોજ ગાંધીનગર એસીબી દ્વારા કલોલ મામલતદાર કચેરી ખાતે ટ્રેપ ગોઠવવામાં
આવી હતી અને ૨.૬૦ લાખ રૃપિયાની લાંચ લેતા મામલતદાર મયંક પટેલ અને નાયબ મામલતદાર
પ્રવીણ મૂળજીભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ગુનામાં ઝડપાયા બાદ પ્રવીણ
પરમારને સસ્પેન્ડ કરીને દહેગામ મામલતદાર કચેરી ખાતે મોકલવામાં આવ્યો હતો ત્યારે
અહીં પણ લાંચની પ્રવૃત્તિ ચાલુ જ રાખી હતી. એક અરજદાર દ્વારા જમીનની વેચાણ નોંધ રદ
કરાવવા માટે પ્રાંત કચેરીમાં કરવામાં આવેલી અરજીના કાગળો ખોવાઈ જતા આ પ્રવીણ પરમાર
દ્વારા કાગળ શોધી આપવા માટે ૧૮ હજારની લાંચ માંગવામાં આવી હતી અને આ અરજદાર લાંચ
આપવા માંગતા ન હોવાથી ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા એસીબીના મદદનીશ નિયામક એ.કે
પરમારના સુપરવિઝન હેઠળ ઇન્સ્પેક્ટર ડી.એ ચૌધરી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં
આવ્યું હતું. જેમાં તેનો વચોટિયો નિતેશ જેઠાલાલ રાજન ૧૮ હજાર રૃપિયા સ્વીકારીને
પ્રવીણ પરમારને આપવા જતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. જેથી આ બંનેની ધરપકડ
કરીને એસીબી દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. લાંચના આ છટકાને
પગલે જિલ્લાની કચેરીઓમાં સોંપો પડી ગયો હતો.
લાંચના કેસમાં પોલીસની જેમ મહેસૂલમાં પણ જિલ્લા ફેરબદલી
જરૃરી
એસીબી દ્વારા પોલીસ વિભાગમાં કોઈ અધિકારી કર્મચારીને લાંચ
લેતા પકડવામાં આવે તો તેને સસ્પેન્ડ કરીને જિલ્લા ફેર બદલી કરી જે તે જિલ્લાના
હેડકવાટરમાં મૂકવામાં આવતા હોય છે પરંતુ મહેસુલ સહિતના રાજ્યના અન્ય કોઈ વિભાગમાં
આ પ્રકારની જોગવાઈ નહીં હોવાને કારણે લાંચની પ્રવૃત્તિ બંધ થતી નથી. પ્રવીણ પરમાર
પણ ગાંધીનગર જિલ્લાના કલોલમાં ૨.૬૦ લાખના લાંચના ગુનામાં ઝડપાયો હતો અને તેને
સસ્પેન્ડ કરી દેહગામ મુકાયો હતો. અન્ય જિલ્લામાં તેની બદલી કરવામાં આવી હોત તો આ
લાંચની પ્રવૃત્તિ અટકી હોત ત્યારે વિભાગે પણ આ અંગે વિચારવાની જરૃરિયાત લાગી રહી
છે.