મુંબઈ : મિલો મારફત મેમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો ૨૩.૫૦ લાખ ટન કવોટા જારી કરાયો છે જે ગયા વર્ષના મેની સરખામણીએ નોંધપાત્ર ઓછો છે. ગયા વર્ષના મેમાં ૨૭ લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો હતો. વર્તમાન વર્ષના એપ્રિલમાં ૨૩.૫૦ લાખ ટન ખાંડ છૂટી કરાઈ હતી.
વર્તમાન ખાંડ મોસમમાં સરકારે દસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી છે, પરંતુ સાત લાખ ટન ખાંડ નિકાસ થવાની શકયતા રહેલી છે.
વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન અંદાજ કરતા નીચુ રહેવાની શકયતા જોવાઈ રહી છે. વર્તમાન ખાંડ મોસમમાં ઓકટોબરથી ૧૫ એપ્રિલ દરમિયાન દેશમાં ખાંડનું એકંદર ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૮.૪૦ ટકા ઘટી ૨૫૪.૨૫ લાખ ટન રહ્યું છે. વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા નીચુ રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે.
ખાંડનું ઉત્પાદન જે રીતે ઘટી રહ્યું છે તેને જોતા તેનું સ્તર માગ કરતા નીચે જોવા મળવાની શકયતા નકારાતી નથી આ હકીકતને ધ્યાનમાં રાખી ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના મેમાં ઓછી ખાંડ છૂટી કરાઈ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષમાં ખાંડનું નેટ ઉત્પાદન ૨૫૯ લાખ ટન રહેવા ધારણાં છે જે ૨૦૨૩-૨૪ની ગઈ મોસમ (ઓકટોબર-સપ્ટેમ્બર)માં ૩૧૯ લાખ ટન રહ્યું હતું.