Stock Market Today: ભારતીય શેરબજારમાં સળંગ બીજા દિવસે કડાકો નોંધાયો છે. વૈશ્વિક અનિશ્ચતતાઓ અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે સેન્સેક્સ આજે 743.61 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી પણ 25000નું લેવલ તોડી 24811.65ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફાઈનાન્સ, મેટલ, એનર્જી, આઈટી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, પાવર સેક્ટરના શેર્સ મોટા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
રોકાણકારોના આઠ લાખ કરોડ ડૂબ્યા
શેરબજારમાં છેલ્લા બે દિવસથી મંદીનું જોર વધતાં રોકાણકારોએ 7.92 લાખ કરોડ ગુમાવ્યા છે. આજે બીએસઈ ખાતે 205 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપમાં રોકાણકારોને મોટું નુકસાન થયું છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 829.24 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. જેમાં સામેલ 856 શેર રેડઝોનમાં કારોબાર થઈ રહ્યા છે. જ્યારે માત્ર 113 શેરમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. બપોરે 12.46 વાગ્યે સેન્સેક્સ 580.04 પોઈન્ટ ઘટી 81604.13 અને નિફ્ટી 194.85 પોઈન્ટ તૂટી 24867 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચોઃ ન તો નોકરી, ન પગાર છતાં 5.50 કરોડની લોન આપી…. દાહોદ SBIમાં કૌભાંડ, 18 આરોપીની ધરપકડ
છેલ્લા બે દિવસમાં 1286 પોઈન્ટનો કડાકો
શેરબજારમાં સળંગ બીજા દિવસની મંદીમાં સેન્સેક્સ 1286 પોઈન્ટ તૂટ્યો છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે અનિશ્ચિતતા, તેમજ નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના પગલે શેરબજારમાં મંદીનું જોર વધ્યું છે. વોલેટિલિટી ઈન્ડેક્સ ઓપનિંગ સેશનમાં ઈન્ડિયા VIX પણ 7 ટકા વધ્યો હતો. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને રૂપિયામાં કડાકાની અસર પણ જોવા મળી છે.