મુંબઈ : ઉનાળા દરમિયાન વીજની માગમાં ધરખમ વધારો થવાની શકયતાને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષના માર્ચમાં દેશની કોલસાની આયાત વધી વધી ૧.૪૧ કરોડ ટન સાથે દસ મહિનાની ટોચે રહી છે. ફેબુ્રઆરીની સરખામણીએ આયાતમાં દસ ટકા વધારો થયાનું સરકારી આંકડા જણાવે છે.
વર્તમાન વર્ષમાં ઉનાળો આકરો રહેવાની આ અગાઉથી આગાહી આવી પડી છે ત્યારે સરકાર કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં વધારો કરવાની યોજના ધરવા છે.
વીજની ઊંચી માગને ધ્યાનમાં રાખી આયાતી કોલસા આધારિત વીજ પ્લાન્ટોને સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત રહેવા સૂચના આપવામાં આવી છે.
વીજ પ્લાન્ટસ ખાતે કોલસાના સ્ટોકસ હાલમાં વાર્ષિક ધોરણે ૧૪ ટકા વધુ છે અને ૨૦૨૩ની સરખામણીએ ૬૦ ટકા ઊંચો છે. ૩૧મી માર્ચના અંતે કોલસાનો સ્ટોકસ ૫.૮૦ કરોડ ટન રહ્યો હતો.
વર્તમાન વર્ષના એપ્રિલથી જૂનના ગાળામાં દેશનું તાપમાન સામાન્ય કરતા ઊંચુ રહેવાની શકયતા વધુ હોવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખતા વીજની માગમાં પણ વધારો જોવા મળવા ધારણાં રાખવામાં આવે છે.
એપ્રિલથી જૂનના ગાળામાં વીજ માગમાં સાત ટકા જેટલો વધારો જોવા મળવાની ધારણાં છે.