Vadodara Traffic Jam : વડોદરા શહેરની આસપાસ હાઈવે ઉપરના બ્રિજો પાસે ખાડાઓ પડી જતા ટ્રાફિક જામની વધુ એક સમસ્યા સર્જાઈ છે. જેને કારણે વાઘોડિયા ચોકડી પર આજે 10 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો હતો.
વડોદરા કરજણ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા બે વર્ષથી સાંકડા બ્રિજ અને ખાડાઓને કારણે 10 થી 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને તંત્ર આ સમસ્યા હજી સુધી ઉકેલી શકતું નથી. જેને કારણે હજી પણ ટ્રાફિકજામ થઈ રહ્યો છે.
હવે કરજણની જેમ વડોદરાની આસપાસના હાઇવે પર દેણા, દુમાડ, સયાજીપુરા જેવા બ્રિજો ઉપર અને તેની નજીકમાં ખાડાઓ પડી જવાથી ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાવા માંડી છે. દુમાડ નજીક ગઈકાલે સાંજે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો.
આજે વાઘોડિયા ચોકડી પર બેથી અઢી ફૂટના ખાડાઓને કારણે એક ટ્રક ફસાઈ જતા 10 km સુધી ટ્રાફિક જામ થયો હતો. જેથી પોલીસ અને વહીવટી અધિકારીઓ સમસ્યા ઉકેલવા દોડધામ કરી રહ્યા છે.