Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરની શાળાઓ, મેડિકલ કોલેજની કેન્ટીનો અને હોસ્ટેલમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કર્યું હતું અને તપાસ માટે નમૂના લીધા હતા. કોર્પોરેશનની ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમો દ્વારા આજે કારેલીબાગમાં સરદાર વિનય સ્કૂલ, સ્પંદન સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જ, આર્ય કન્યા વિદ્યાલય, શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં તપાસ કરી હતી. જેમાં સરદાર વિનય સ્કૂલની કેન્ટીનમાં સ્વચ્છતા ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી. માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલની કેન્ટીનમાં તપાસ કરી મરચું અને હળદર પાવડર ,આટા, ખીચડી, બટાકા રીંગણ શાકનો નમુનો લીધો હતો. કોઠી વિસ્તારમાં આવેલ પીજી -2 કેન્ટીનના સંચાલક લાઇસન્સ ધરાવતા ન હોવાથી કેન્ટીનને તાત્કાલિક બંધ કરવામાં આવી હતી. એસએસજી હોસ્પિટલની એબી બ્લોક
બોયસ હોસ્ટેલની કેન્ટીનમાંથી મરચું અને હળદર પાવડર, તેલ, ધાણા પાવડર ,ચોખા, તુવેર દાળ, ગરમ મસાલો, બેસન, ફુલાવરનું શાક, દાલ ફ્રાય મસૂરનું શાક વગેરેની તપાસ કરીને નમૂના લીધા હતા. ગોત્રી વિસ્તારમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ગોત્રીની કેન્ટીનમાં તપાસ કરી ઘીના નમૂના લીધા હતા.