Chaitar Vasava blames On Mansukh Vasava : દેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે સપાટી પર આવ્યો છે. આજે (26 સપ્ટેમ્બર) નર્મદા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ગુજરાત પેટર્નની આયોજન બેઠકમાં હાજરી આપ્યા બાદ ચૈતર વસાવાએ સીધો આરોપ લગાવ્યો કે તેમના 80 દિવસના જેલવાસ પાછળ સાંસદ મનસુખ વસાવાની ખોટી ફરિયાદ જવાબદાર છે. જેના જવાબમાં મનસુખ વસાવાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ચૈતર વસાવાએ જેલવાસ પાછળ સાંસદને જવાબદાર ગણાવ્યા
જિલ્લા આયોજન બેઠકમાં હાજરી આપવા આવેલા ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, પરંતુ હું જેલમાંથી મુક્ત થયો એટલે તેમને બળતરા થાય છે.” તેમણે વધુમાં કહ્યું કે, સાંસદ હોવા છતાં મનસુખ વસાવાએ ખોટી ફરિયાદ કરાવી, જેના કારણે તેમને 80 દિવસ જેલમાં રહેવું પડ્યું. આ સાથે જ તેમણે જિલ્લા વહીવટી તંત્ર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવાનો આક્ષેપ છે કે તંત્રએ તેમના દ્વારા સૂચવવામાં આવેલા લોકોપયોગી કામોને બેઠકમાંથી કાઢી નાખ્યા છે. તેમણે જો લોકહિતના કામો નહીં થાય તો ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મનસુખ વસાવાએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
ચૈતર વસાવાના આક્ષેપોના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૈતર વસાવા બે મોઢાની વાતો કરે છે. એક બાજુ તેઓ મને વડીલ ગણાવે છે અને બીજી બાજુ મારા પર જ ખોટા આરોપો મૂકે છે. તેમણે ચૈતર વસાવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. સાથે જ, મનસુખ વસાવાએ કહ્યું કે “મને કોઈ ફર્ક પડતો નથી કે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે.”
આ પણ વાંચો: ‘પાણીના ગ્લાસના કારણે 80 દિવસ જેલવાસ ભોગવ્યો…’, ચૈતર વસાવાની CCTV હેઠળ જ મિટિંગ યોજવાની માગ
મને બેઠકમાં ન બોલાવ્યો, કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળેલા છે: મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ આ બેઠક અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા કલેક્ટરે તેમને આજની બેઠકમાં બોલાવ્યા નથી, કારણ કે કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળેલા છે. તેમણે આ બેઠકને ‘ગેરબંધારણીય’ પણ ગણાવી હતી અને આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મનસુખ વસાવાએ કહ્યું કે તેઓએ કલેક્ટરને ફોન કરીને પણ જણાવ્યું છે કે તેમને ચૈતર વસાવાથી ડરવાની કે દબાણમાં આવવાની જરૂર નથી, અને કોઈ એક વ્યક્તિના કહેવાથી કામોને મંજૂરી આપવી જોઈએ નહીં. આમ, નર્મદા જિલ્લાના બે મોટા આદિવાસી નેતાઓ વચ્ચેનો આ વાદ-વિવાદ હવે જાહેરમાં આવ્યો છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.