![]()
મુંબઈ : ભારત તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા મુકત વેપાર કરારથી ભારતીય અર્થતંત્રના ઘણાં ક્ષેત્રોને લાભ થઈ રહેશે એમ જણાવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ નવા કરારને આવકાર્યો છે.
એક પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે બહુવિધ કરારો મારફત વૈશ્વિક સહકાર ધીમો પડી ગયો છે ત્યારે ભારત-યુકે જેવા દ્વીપક્ષી વેપાર કરાર મહત્વના બની રહે છે.અપેક્ષા છે કે આ કરારથી આપણને ટેકો મળી રહેશે અને આગળ વધવાનો આજ એક માર્ગ છે, કારણ કે કમનશીબે બહુવિધતા હવે પાછળ રહી ગયાનું જણાય છે.
ભારતે અન્ય દેશો સાથે પણ આવા પ્રકારના કરાર કરવા જોઈએ. અમેરિકા સાથેની વાટાઘાટ હવે એકદમ અંતિમ તબક્કામાં છે. યુકે સાથેના કરારથી દેશના ઉત્પાદન તથે સેવા તરફના અનેક ક્ષેત્રોને લાભ થઈ રહેશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકાનો સામનો કરી રહેલા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ ુપોવેલ માટે તેમણે ટેકો વ્યકત કર્યો હતો. પોવેલ સારી કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય બેન્કની સ્વતંત્રતા જાળવવી મહત્વની છે.
દરમિયાન ભારતના વિવિધ ઉદ્યોગના આગેવાનોએ પણ કરારને ભારત માટે લાભકારક ગણાવ્યા છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના ડાયરેકટર જનરલ ચંદ્રજીત બેનરજીએ જણાવ્યું હતું કે, આ કરારને કારણે ભારતના અનેક ક્ષેત્રોને લાભ થશે પરંતુ ટેકસટાઈલ તથા એપરલ માટે મોટી બજાર ખૂલી જશે. ફાર્મા ક્ષેત્ર માટે પણ તકો મળી રહી છે.
શ્રમલક્ષી એવા લેધર પ્રોડકટસને પણ યુકેમાં મોટી બજાર મળી રહેશે તેવી તેમણે એક નિવેદનમાં અપેક્ષા વ્યકત કરી હતી.
લાંબા ગાળાની ચર્ચા બાદ થયેલા આ કરાર હેછળ બન્ને બાજુને સરખો લાભ જોવાઈ રહ્યો છે. બ્રિટનની અસંખ્ય કંપનીઓને હવે ભારતમાં ઈન્વેસ્ટ કરવા આગળ આવશે એમ ઈન્ડિયા-યુકે સીઈઓ ફોરમના સહ-અધ્યક્ષ સુનિલ મિત્તલે જણાવ્યું હતું.










