Gujarat Lions Death: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 669 એશિયાટિક સિંહના મૃત્યુ થયા છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 165 મૃત્યુ વર્ષ 2024 દરમિયાન જ થયા હતા. રાજ્યસભામાં અપાયેલી માહિતી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછા 117 મૃત્યુ 2022ના વર્ષમાં નોંધાયા હતા.
સિંહોના આ મૃત્યુ માટે સરકારે ઉંમર, બીમારી, અંદરોઅંદર લડાઈમાં થયેલી ઈજા, ખૂલ્લા કૂવામાં પડી જવું, વીજ કરંટ લાગવો, અકસ્માત જેવા કારણોને જવાબદાર જણાવ્યા છે. પાંચ વર્ષના આ સમયગાળામાં શિકારથી એકપણ સિંહનું મૃત્યુ નહીં થયાનો ગુજરાત સરકારે દાવો કર્યો છે.
સિંહોના સંવર્ધન માટે ફોરેસ્ટ સ્ટાફ દ્વારા નિયમિત પેટ્રોલિંગ, અદ્યતન કોમ્યુનિકેશન સિસ્ટમ, નિયમિત સ્વાસ્થ્ય ચકાસણી થતી હોવાનું તંત્રે કહ્યું છે. આ ઉપરાંત સિંહની હિલચાલ ચકાસવા માટે રેડિયોકોલર સિસ્ટમનો પણ ઉપયોગ થાય છે. શિકાર થાય નહીં તેના માટે સતત વોચ રાખવામાં આવતી હોય છે.