– ભાવનગરની 8 આઇટીઆઇમાં નાપાસનો રેશીયો 30 ટકા
– છેલ્લા 15 દિવસથી શરૂ કરાયેલ ઓનલાઇન કોમ્પ્યુટર પરીક્ષામાં 889 પાસ
ભાવનગર : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા લર્નિંગ લાયસન્સ માટેની કોમ્પ્યુટર પરીક્ષા ગઇ તા.૭થી ફેસલેસ (ઓનલાઇન) શરૂ કરાઇ છે. પરંતુ ભેજાબાજો આ ઓનલાઇન પરીક્ષાનો પણ તોડ શોધી સુરક્ષા વ્યવસ્થાના લીરા ઉડાવવામાં સફળ રહ્યા છે. ઉમેદવાર વેબ કેમેરા સામે હોવા છતા જવાબો અન્ય વ્યક્તિ આપી રહ્યા છે. એક તબક્કે છેલ્લા ૧૫ દિવસમાં પરીક્ષા આપનાર ૮૮૯ ઉમેદવારનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે આઇટીઆઇમાં નાપાસનો રેશીયો ૩૦ ટકા હતો.
રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સ મેળવવા જે-તે સેન્ટર પર નિયત સ્લોટ પ્રમાણે કોમ્પ્યુટર પરીક્ષાની સાથે ઉમેદવાર ઘરબેઠા પણ આ પરીક્ષા આપી શકે તે માટે સારથી સોફ્ટવેરમાં ફેસલેસ સુવિધા ગઇ તા.૭ જુલાઇથી અપલોડ કરી અને પરિપત્રમાં સુરક્ષાના નિયમો પણ ટાંક્યા હતાં. એક તબક્કે આ પરીક્ષા આઇટીઆઇમાં લેવાતી હતી જેમાં મહિને ૭૬૫૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપતા હતા જેનો ૩૦ ટકા સરેરાશ રેશીયો નાપાસ પણ થતો હતો. પરંતુ આ ફેસલેસ ઓનલાઇન પરીક્ષા આવ્યાના ૧૫ દિવસમાં ભાવનગરથી ૮૮૯ ઉમેદવારોએ પરીક્ષા આપી અને આશ્ચર્યની વાત છે કે એકપણ ઉમેદવાર ફેઇલ નથી જે પરથી સાબિત થાય છે કે ઓનલાઇન પરીક્ષાથી સુરક્ષામાં છીંડા છે અને માત્ર ૧૫ દિવસમાં ભેજાબાજોએ પરીક્ષાનો તોડ પણ શોધી કાઢ્યો છે. ઘણા કિસ્સામાં વેબ કેમેરા સામે ઉમેદવાર હોય છે પણ કોમ્પ્યુટરમાં જવાબો આપતો વ્યક્તિ કોઇ ઓર જ હોય છે. આમ લર્નિંગ લાયસન્સ માટેની લેવાતી કોમ્પ્યુટર પરીક્ષા પણ હાલ વિશ્વસનીયતા ગુમાવી બેસી છે. ત્યારે માત્ર ડ્રાઇવીંગ ટેસ્ટ ઉમેદવારો માટે મહત્વની રહી ગઇ છે જેની પારદર્શિતા પણ ક્યાંકને ક્યાંક છાપરે ચડીને પોકારશે.
કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવા મહારાષ્ટ્ર અને એમપીની ફેક લીંકો વાયરલ
લર્નિંગ લાયસન્સ મેળવવા કોમ્પ્યુટર પરીક્ષા પાસ હોવી જરૂરી છે અને સુવિધા માટે ઓનલાઇન ઘર બેઠા ફેસલેસ પરીક્ષાનો ઓપ્શન અપાતાની સાથે કટકીબાજોએ આ પરીક્ષાનો શોર્ટકટ શોધી કાઢ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ પરીક્ષા પાસ કરવા એમ.પી. અને મહારાષ્ટ્રની ફેક લીંકો સાથેના વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને માત્ર એપ્લીકેશન મોકલવાથી વગર પરીક્ષાએ ઉમેદવારને પાસ પણ કરી દેવાની બાહેધરી અપાય છે અને નિયત લીંક પર માત્ર પેમેન્ટ કરવાનું રહે છે. આવી બોગસ લીંકો પણ હાલ કાર્યરત બની છે ત્યારે લર્નિંગ લાયસન્સની વિશ્વસનિયતા સામે મોટા સવાલો ઉઠયા છે. સાથે ઓફીશ્યલ સારથી સાઇટ પર લેવાતી પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
આઇટીઆઇમાં મહિને લેવાતી લર્નિંગ પરીક્ષાના સ્લોટ
તાલુકો |
સ્લોટ |
મહિનાની |
ભાવનગર |
૯૬ |
૨૪૦૦ |
ગારિયાધાર |
૨૪ |
૬૦૦ |
ઉમરાળા |
૨૪ |
૬૦૦ |
તળાજા |
૩૦ |
૭૫૦ |
સિહોર |
૪૮ |
૧૨૦૦ |
ઘોઘા |
૨૪ |
૬૦૦ |
મહુવા |
૩૦ |
૭૫૦ |
પાલિતાણા |
૩૦ |
૭૫૦ |
કુલ |
૩૦૬ |
૭૬૫૦ |