– વારંવાર રજૂઆત છતાં કાયમી નિરાકરણમાં ઠાગાઠૈયા
– ગટર પાસે રોડનો ભાગ બેસી ગયો, પાણી ભરાયેલું રહેતા વાહનો પટકાતા પસાર થવું જોખમી
નડિયાદ : નડિયાદના સૌથી વ્યસ્ત દાંડીમાર્ગ પર આવેલી જે એન્ડ જે કોલેજ સામે ફરી એકવાર મોટું ગાબડું પડતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગટર પાસે રોડનો ભાગ બેસી જવાથી અને ઉપરથી પાણી ભરાયેલું હોવાથી આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે.
નડિયાદના દાંડીમાર્ગ પર જે એન્ડ જે કોલેજ સામેનો રસ્તો, જે દૈનિક હજારો વાહનચાલકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. ત્યાં ગટર પાસેનો એક મોટો ભાગ બેસી ગયો છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગાબડાની ઊંડાઈનો અંદાજ આવતો નથી. જેથી વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.
રોડ પર એક તરફ પાણી ભરાયેલું હોવાથી અને વચ્ચેનો ભાગ બેસી જવાથી વાહનચાલકોને નાનકડી જગ્યામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.
જેના કારણે ટ્રાફિક ધીમો પડે છે અને અકસ્માતનો ભય રહે છે. વાહનચાલકો ખાડામાં પટકાઈ રહ્યા હોવાના બનાવો પણ નોંધાયા છે. સ્થાનિકો અને વાહનચાલકોની વારંવારની ફરિયાદો અને રજૂઆતો છતાં આ સ્થાને યોગ્ય અને કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. ખાડાને ગણતરીના કલાકોમાં પૂરવાના બદલે દિવસોના દિવસો સુધી પ્રશાસન અને મહાનગરપાલિકા તંત્રની આંખો ખૂલતી નથી, જેના પરિણામે લોકોને સતત હાલાકી વેઠવી પડે છે. સ્થાનિકો દ્વારા આ અંગે ત્વરિત કાર્યવાહી કરીને આ ગાબડાને તાત્કાલિક રીપેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.