અમદાવાદ,સોમવાર,28
જુલાઈ,2025
કેચ ધ રેઈન અને વોટર હાર્વેસ્ટિંગથી વરસાદી પાણીનો સંગ્રહ
કરવાની હાંકવામાં આવેલી ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે.સોમવારેસવારે ૧૧થી ૧૨ના એક
કલાકના સમયમાં ઓઢવ,નરોડા મેમ્કો વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચથી વધુ
વરસાદ થતા આ વિસ્તારોમાં રોડ ઉપર બે ફુટ જેટલા વરસાદી પાણી ભરાયા હતા.વરસાદ બંધ
થયા પછી ચાર કલાક બાદ કોર્પોરેશને વરસાદી પાણીનો નિકાલ કરતા સ્થાનિક રહીશોએ
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની નિષ્ફળતા કામે રોષ વ્યકત કર્યો હતો. ઓઢવ રીંગ રોડ
સર્કલ પાસે વરસાદી પાણીનો નિકાલ નહીં થવાથી એક કલાકથી વધુ સમય ટ્રાફિક જામના
દ્રશ્યો જોવા મળ્યા હતા. સોમવારે કામકાજનો પહેલો દિવસ હોવાથી વાહન ચાલકો અટવાઈ
પડયા હતા.
લોકોની વાહવાહ મેળવવા કોર્પોરેશનના સત્તાધીશો શહેરમાં આવેલા
તળાવો વરસાદી પાણીથી ભરવા,
એકથી વધુ તળાવોને ઈન્ટરલિંક કરી એકબીજા સાથે જોડવાની અગાઉ જાહેરાત કરી ચુકયા
છે.આમ છતાં તળાવોમાં કયારેય બાર મહીના પાણી જોવા મળતુ નથી. હવે કેચ ધ રેઈન અને
વોટર હાર્વેસ્ટિંગ તથા પરકોલેટીંગવેલ અને ખંભાતીકુવા બનાવવાની જાહેરાત કરાય
છે.રવિવારે ભારે વરસાદે પૂર્વના વિસ્તારોને રીતસરના ઘમરોળ્યા હતા.નરોડામાં આવેલા
શ્રી પદ્દમાવતી માતાજી દેરાસર રોડ ઉપરાંત નરોડા મેમ્કો વિસ્તારમાં પણ રોડ ઉપર બે
ફુટથી વધુ વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક રહીશો પારવાર મુશ્કેલીમાં મુકાયા
હતા.પૂર્વના વિસ્તારોની સાથે ગોતા વોર્ડમાં વંદેમાતરમથી જગતપુર તરફ જવાના રોડ ઉપર
વૃંદાવન હાઈટસ પાસે રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીનો ત્રણ કલાક પછી નિકાલ થઈ શકયો હતો.દરમિયાન રવિવારના
વરસાદમાં મ્યુનિ.કંટ્રોલ રુમને વરસાદી પાણી ભરાવાની મળેલી ૨૫ ફરિયાદના સ્પોટ ઉપર
વરસાદી પાણીનો નિકાલ કરાયાનો દાવો સત્તાધીશોએ દાવો કર્યો હતો.
ચાંદલોડીયાની શિવશકિતનગરમાં બે ફુટ સુધીના પાણી ભરાતા
હાલાકી
ચાંદલોડીયામાં આવેલી શિવશકિતનગર સોસાયટીમાં કોર્પોરેશને
આર.સી.સી.રોડ માટે બે દિવસથી ખાડો ખોદેલો
હતો.વરસાદમાં બે ફુટ જેટલુ પાણી ભરાતા સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીમા મુકાયા
હતા.રહીશોને અવરજવર માટેનો એક રસ્તો છે.૩૦૦ મકાનની સોસાયટીમાં એક હજાર લોકો રહે
છે.રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીની વચ્ચે ખુલ્લા વીજવાયર પણ હોવાથી રહીશોમાં ફફડાટ
ફેલાયો હતો.સોસાયટીના રહીશના કહેવા મુજબ,
સ્થાનિક કોર્પોરેટરે ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરાવી હાલ પુરતો રોડ સરખો
કરાવ્યો છે.