Gondal News : ટીનેજર્સના માનસપટલ ઉપર સોશ્યલ મીડિયા હાવી થઈ ગયું છે. અનેક બનાવમાં જીવ ગયો હોવાના કિસ્સા પણ બન્યા છે. રિલ્સ બનાવવાની ઘેલછામાં અકસ્માત પણ થયા છે ત્યારે હવે ગોંડલ તાલુકાના દેવચડી ગામે વીડિયો બનવવાના ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પી ગઈ હતી. તેને તત્કાલ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેં હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સગીરાનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે, ગોંડલ તાલુકાના દેવચડી ગામે એક ખેડૂતની વાડીમાં રહે છે અને ખેત મજૂરી કરે છે. ગઈકાલે સાંજના છ વાગ્યા આસપાસ સગીરા પોતાના ઘર પાસે વાડીમાં હતી ત્યાં તેણી મોબાઈલમાં સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા માટે વીડિયો બનાવતી હતી.
રિલ્સ બનાવવાની ઘેલછામાં એને એ ભાન ન રહ્યું કે, તેણે પાકમાં છાંટવાની ઝેરી દવાની બોટલ હાથમાં લઈ લીધી. તેને એમ કે હાથમાં રહેલી બોટલનું ઢાંકણું બંધ છે. તેણી વીડિયો બનાવવામાં મશગુલ હતી ત્યાં જ બોટલનું ઢાંકણુ ખુલી ગયું અને થોડી દવા તેના મોઢામાં જતી રહી. તેણી તુરંત ઉલ્ટી કરવા લાગતા ખેતરમાં કામ કરતા પરિવારને જાણ થઈ. સગીરાને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.