તમે ગામમાંથી દબાણો કેમ હટાવ્યાં
પુત્રને મારમારી સોનાનો દોરો લૂંટી લેવાયો ઃ પંચાયતના સભ્ય સહિત છ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજમાં દબાણ હટાવવાના મામલે
રાજકીય અદાવત રાખીને ટોળાનો સરપંચના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર
આવી છે અને તેમના પુત્રને માર મારી મોબાઇલ ઝૂંટવી લઈ સોનાનો દોરો લૂંટી લેવાયો
હતો. જે મામલે પંચાયતના સભ્ય સહિત છ સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં
આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ
ખાતે શ્રીનાથ રેસીડેન્સી વિભાગ એકમાં બંગલા નંબર ૨ ખાતે રહેતા અને ગ્રામ પંચાયતના
સભ્ય પ્રજ્ઞોશભાઈ દિનેશભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના પત્ની
બીનાબેન અડાલજ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવે છે. આજે તેઓ અડાલજ ગ્રામ
પંચાયતમાં કામ કરી રહ્યા હતા તે સમયે તેમના પુત્ર જયનો તેમની ઉપર ફોન આવ્યો હતો
અને કહ્યું હતું કે, ઘરે ઘણા
લોકોનું ટોળું આવ્યું છે અને તેઓ ઘરમાં ઘૂસીને ઝઘડો કરી રહ્યા છે અને મારપીટ કરી
રહ્યા છે. જેથી તેઓ તાત્કાલિક તેમના ડ્રાઈવર જીગ્નેશભાઈ સાથે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે
જોયું કે તેમના ઘરની અંદર અને બહાર ઘણા લોકોનું ટોળું હાજર હતું. જેમાં અડાલજ
ગામના બાબુજી છનાજી ઠાકોર,
લાલાજી છનાજી ઠાકોર, દશરથજી
ભીખાજી ઠાકોર, મહેશજી
ભીખાજી ઠાકોર, દિવાબેન
પુનાજી ઠાકોર, ભીખીબેન
બાબુજી ઠાકોર અને અન્ય આશરે દસ વ્યક્તિઓ પૂર્વાયોજિત કાવતરું રચીને તેમના ઘરે હાજર
હતા. આ ટોળાએ કહ્યું હતું કે તેમણે ગામમાંથી દબાણ હટાવીને તેમના વ્યવસાયો બંધ
કરાવી દીધા છે અને હવે તેમને પણ બરબાદ કરવાની ધમકી આપી હતી. જેથી તેમણે સમજાવવાનો
પ્રયાસ કર્યો કે તેમણે સરકારી નિયમો મુજબ જ કામ કર્યું છે, ત્યારે આ શખ્સો
ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. જેથી તેમણે પોલીસને બોલાવતા
કેટલાક શખ્સો ભાગી ગયા હતા પરંતુ પોલીસે ચાર વ્યક્તિઓને પકડી લીધા હતા. તો આ સમગ્ર
ઘટના સંદર્ભે જયને પૂછતા તેણે કહ્યું હતું કે, બાબુજી છનાજી ઠાકોર અને લાલાજી છનાજી ઠાકોર સહિત અન્ય લોકો
ગેરકાયદેસર રીતે તેમના ઘરમાં પ્રવેશ્યા હતા. ગાળા ગાળી કરીને ધમકીઓ આપી કે આજે તો
તમને જીવતા છોડવાના નથી તેમ કહી મારા મારી શરૃ કરી હતી અને પોલીસને ફોન કરવા જતા
ફોન પણ ઝૂંટવી લીધો હતો. એટલું જ નહીં લાલાજી છાનાજી ઠાકોરે ગળામાં પહેરેલો સોનાનો
દોરો પણ લૂંટી લીધો હતો. જેથી હાલ આ સમગ્ર ઘટના સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા આ છ
વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.