અમદાવાદ : ઇક્વિટી બજારમાં વધેલી અસ્થિરતાને કારણે ઇક્વિટી સ્કીમોનું આકર્ષણ મહદ અંશે ઘટી રહ્યું છે. તેના કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડો સાથે નવા રોકાણકારોના જોડાણની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં માત્ર ૫.૨ ટકાનો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તેમાં લગભગ ૧૨ ટકાનો વધારો થયો હતો.
યુનિક રોકાણકારોની કુલ સંખ્યા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન કાર્ડ)ની નોંધણી દ્વારા માપવામાં આવે છે. જૂન ૨૦૨૫ સુધીમાં ઉદ્યોગમાં કુલ ૫.૫૩ કરોડ યુનિક રોકાણકારો હતા, જે ડિસેમ્બર ૨૦૨૪ના ૫.૨૬ કરોડ કરતા સામાન્ય વધુ છે.
નિષ્ણાતોના મતે, રોકાણકારોના જોડાણની ગતિ મોટાભાગે શેરબજારના પ્રદર્શન સાથે સંબંધિત છે. સપ્ટેમ્બર ૨૦૨૪ પછીના તીવ્ર ઘટાડોએ શેરબજારનું સેન્ટીમેન્ટ નબળું પાડતા આ વર્ષે રોકાણકારોના જોડાણમાં ઘટાડો થયો છે. આજની તારીખે એક વર્ષના સમયગાળામાં નિફ્ટી ૫૦૦ ૨ ટકા નીચે છે.
ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) પણ નવા રોકાણકારો ઉમેરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ સેગમેન્ટમાં પણ મંદી જોવા મળી છે. ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડોએ ૨૫ એક્ટિવ ઇક્વિટી સ્કીમો શરૂ કરી છે, જે ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૩૦ હતી. એનએફઓ કલેક્શન આ સમયગાળામાં રૂ. ૩૭,૮૮૫ કરોડથી ઘટીને રૂ. ૧૦,૬૯૦ કરોડ થયું છે.
જોકે મંદીના કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો થયો છે અને નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેમ છતાં હાલના રિટેલ રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે અને આગામી સમયમાં મજબૂતી અકબંધ રહેશે તેવી બજાર નિષ્ણાંતોને અપેક્ષા છે.