Gujarat News: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુરૂવારે રાત્રે 25 વર્ષીય યુવકના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો કર્યો હતો. પરિવારે હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ સિવાય મૃતદેહને રસ્તાની વચ્ચોવચ મૂકીને વિરોધ કર્યો હતો. જોકે, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો તો પરિવારે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના ચાંદખેડા અકસ્માતમાં નવો ખુલાસો, પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલ મળી
શું હતી ઘટના?
ડીસાના દાંતીવાડામાં ગોઢ ગામમાં 25 વર્ષીય ગણપત પરમારે ખેતરમાં કામ કરતાં દરમિયાન ભૂલથી પાણીના બદલે જંતુનાશક દવા પી લીધી હતી. દવાની અસર થતાં તેને તાત્કાલિક 108ના માધ્યમે ડીસાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબિયત વધુ લથડતા પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતાં. જોકે, ત્યાંથી યુવકને પાલનપુર લઈ જવાનું કહેવામાં આવ્યું અને પરિવારે પાલનપુર જવા નીકળ્યો. આ દરમિયાન રસ્તામાં જ ઝેરની અસરના કારણે યુવકનું મોત નિપજ્યું હતું. જોકે, બાદમાં પરિવારે સિવિલ હોસ્પિટલ પર આરોપ લગાવતા કહ્યું કે, સ્ટાફની લાપરવાહીના કારણે તેનું મોત નિપજ્યું છે અને બાદમાં મૃતદેહનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો. બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ વચ્ચે પડી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી પરિવારજનો વધુ રોષે ભરાયા અને પોલીસ સાથે જ ઝપાઝપી પર ઉતરીસ આવ્યા હતાં.
આ પણ વાંચોઃ પાલનપુર હાઇવે પર 1 એપ્રિલથી ચૂકવવો પડશે વધુ ટોલ, રૂ. પાંચથી 25 સુધીનો વધારો ઝીંકાયો
ડૉક્ટરે જણાવી માહિતી
સમગ્ર મામલે ડીસા સિવિલના ડૉક્ટરનું કહેવું છે કે, યુવકને ઝેરી દવા પીધેલી હાલતમાં સિવિલ લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરતા પહેલાં તેમના સંબંધી તેને ચાલતા સંડાસ કરાવવા લઈ ગયા હતા. બાદમાં સારવાર શરૂ થાય તે પહેલાં તેને ખેંચ આવતા તે બેભાન થઈ ગયો. આ દરમિયાન ખાનગી હોસ્પિટલના કોઈ તબીબે દર્દીને પાલનપુર લઈ જવાનું કહ્યું. જોકે, પાલનપુર લઈ જાય તે પહેલાં તેનું રસ્તામાં જ મોત થઈ ગયું અને બાદમાં પરિવારજનોએ સિવિલ પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું.