Chandrababu Naidu increases NDA tension : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે વિજયવાડામાં રાજ્ય સરકાર દ્વારા આયોજીત ઈફ્તાર પાર્ટીમાં વક્ફની મિલકતોની સુરક્ષા અને વંચિત મુસ્લિમ પરિવારોના ઉત્થાન માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતા આપી હતી. રમજાનની શુભકામનાઓ આપતાં નાયડુએ મુસ્લિમ સમુદાયને ખાત્રી આપી કે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સરકારે હંમેશા વકફ મિલકતોનું રક્ષણ કર્યું છે, અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.
આ પણ વાંચો : સરકારે ટોઇલેટનું પાણી વેચી વાર્ષિક રૂ. 300 કરોડની કમાણી કરી, ગડકરીએ વોટર રિસાયક્લિંગ પર મૂક્યો ભાર
એ પછી રાજકીય ક્ષેત્રે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે કે, શું ચંદ્રાબાબુ નાયડુ વક્ફ (સુધારા) બિલ 2024 પર કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધારશે કે કેમ ? હકીકતમાં ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપી કેન્દ્રમાં એનડીએ સરકારનો મુખ્ય ઘટક પક્ષ છે. લોકસભામાં વક્ફ બિલ પસાર કરવા માટે ભાજપને ટીડીપીના સમર્થનની જરૂર પડશે. અને જો તેમાં ટીડીપી સમર્થનમાં નહીં ઉભી રહે, તો ભાજપ માટે આ બિલ પસાર કરવું મુશ્કેલ થઈ શકે છે.
CM નાયડુએ સરકારી આદેશ-43 વિવાદ પર કરી સ્પષ્ટતા
નાયડુએ સરકારી આદેશ-43 (GO 43) સંબંધિત વિવાદ વિશે પણ વાત કરી હતી. જેના હેઠળ કાયદાકીય વિવાદોને વકફ બોર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું હતું. નાયડુએ કહ્યું, ‘જ્યારે GO 43 રજૂ કરવામાં આવ્યું ત્યારે બિનજરૂરી વિવાદ ઉભો થયો. જ્યારે આખો મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે વક્ફ બોર્ડની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જ્યારે અમારી સરકારે કાર્યભાર સંભાળ્યો, તો અમે આ આદેશ રદ્દ કરી લીધો અને વકફ મિલકતોનું રક્ષણ સુનિશ્ચિત કરીને બોર્ડનું પુનર્ગઠન કર્યું.’
ટીડીપીના કાર્યકાળ દરમિયાન મુસ્લિમ સમુદાયને ન્યાય મળ્યો છે
મુખ્યમંત્રીએ મુસ્લિમોના આર્થિક સુધારણા માટે તેમના વહીવટીતંત્રના પ્રયાસો પર પણ ભાર મૂક્યો અને તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા બજેટ ફાળવણી અને કલ્યાણકારી પહેલ પર વાત કરી હતી. નાયડુએ કહ્યું, ‘ટીડીપીના કાર્યકાળ દરમિયાન મુસ્લિમ સમુદાયને ન્યાય મળ્યો છે અને હવે એનડીએના શાસનમાં તેમની સ્થિતિ વધુ સારી થશે. અમારી સરકારે લઘુમતી સમુદાયોના ઉત્થાન માટે 2025-26ના બજેટમાં 5,300 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે વિવિધ ક્ષેત્રોમાં તેમને ટેકો આપવાના વહીવટીતંત્રના સંકલ્પને પુનઃપુષ્ટ કરે છે.’
આ પણ વાંચો : બેંગ્લુરુમાં ઘાતક ‘મર્ડર’, પત્નીની હત્યા કરી સૂટકેસમાં પૂરી પતિએ સાસરિયાને કરી દીધો કૉલ
ઇમામોને 10,000 રૂ, જ્યારે મોઅજ્જિન 5,000 રૂ. અપાશે
આ ઉપરાંત, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મુસ્લિમ ધાર્મિક નેતાઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત પણ કરી અને કહ્યું કે, ‘હવે ઇમામોને 10,000 રૂપિયા મળશે, જ્યારે મોઅજ્જિન 5,000 રૂપિયા આપવામાં આવશે.’
આંધ્રપ્રદેશના કાયદા અને ન્યાય અને લઘુમતી કલ્યાણ મંત્રી એન મોહમ્મદ ફારૂક, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર મંત્રી કોલુ રવિન્દ્ર અને ગુંટુર પૂર્વના ધારાસભ્ય મોહમ્મદ નસીર અહેમદ સહિત અનેક અગ્રણી ટીડીપી નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.