Jamnagar Police : જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચેના માર્ગ પર બે દિવસ પહેલાં મોડી રાત્રે 03:00 વાગ્યા આસપાસ ટુ વ્હીલરમાં જોખમી સ્ટંટ કરનારા ત્રણ સ્ટંટબાજોને ટ્રાફિક શાખાની ટીમે શોધી કાઢ્યા હતા, અને તેઓના વાહન ડીટેઇન કર્યા હતા, જે ત્રણેય ટાબરીયાઓ સામે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગરના લાલપુર બાયપાસ રોડ પર બાઇક અને સ્કૂટર પર બેફામ સ્પીડે વાહન ચલાવીને સ્ટંટ કરી રહેલા ચાલકોનો પીછો કરીને એક કાર ચાલકે વિડિયો બનાવી લીધા બાદ શહેર ભરમાં વાયરલ થયો હતો, જે વિડિયોના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક અસરથી આવા સ્ટંટ બાજોને શોધી કાઢવા માટેનો ટ્રાફિક શાખાને આદેશ કરાયો હતો.
જેથી ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી.ગજ્જર તેમજ ટ્રાફિક શાખાની ટુકડીએ વિડિયો નિહાળીને તેમાં એક વાહનના નંબર મેળવી લીધા હતા, અને ત્રણેય વાહન ચાલકોને શોધી કાઢ્યા હતા, અને ત્રણેયના વાહનો ડીટેઇન કરી લઈ તેઓ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક ટાબરિયો 15 વર્ષની વયનો, અને બીજા બે ટાબરિયાઓ 17 વર્ષની વયના હતા.
ઉપરોક્ત ત્રણેય ટાબરીયાઓ કે જેઓ પુખ્ત વયના ન હોવા છતાં વાહન ચલાવતા હોવાનું અને ખાસ કરીને અન્ય લોકોની જિંદગી જોખમાય તેવા જોખમી પ્રકારના સ્ટંટ કરતા હોવાથી તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેનો પણ નિર્ણય લેવાયો છે, અને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ કલમ 281-એ, અને એમવી એકટ કલમ 183 અને 184 મુજબ ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.