Vadodara : વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે જેનો વિરોધ શરૂ થયો છે ત્યારે બીજી બાજુ ગઈકાલે મોડી રાત્રે વડોદરા શહેરના છાણી વિસ્તારના સ્મશાનમાંથી ટેકટરો ભરીને લાકડા લઈ જવાતા હતા તેની જાણ કોંગ્રેસના કોર્પોરેટરોને થતા સ્થળ પર પહોંચી પૂછપરછ કરતા ભાજપના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ગ્રામજનો સ્મશાન પર પહોંચી જઈ આ લાકડા ટ્રસ્ટના છે અને તે આજુબાજુના ગામના સ્મશાનોમાં દાન તરીકે આપીશું તેમ કહેતા મામલો ગરમાયો હતો અને કોંગ્રેસના કોર્પોરેટરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, આખરે કોંગ્રેસ-ભાજપના અગ્રણીઓ પોલીસ સ્ટેશન આવી પહોંચી મામલો શાંત પાડી બંને પક્ષે પોલીસમાં થયેલી અરજી પરત ખેંચાવી સમાધાન કર્યું હતું.
વડોદરા કોર્પોરેશન દ્વારા 31 સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને વર્ષોથી સ્વૈચ્છિક સંસ્થાઓ કેટલાક સ્મશાનોનું સંચાલન કરતું હતું તે પરત ખેંચી લેવામાં આવતા છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યા છે. તાજેતરમાં કોર્પોરેશનમાં મળેલી સભામાં પણ કોંગ્રેસ પક્ષે સ્મશાનોના ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. તદુપરાંત અન્ય કેટલાક સામાજિક કાર્યકર્તાઓના ગ્રુપોએ પણ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો.
દરમિયાનમાં કોર્પોરેશન દ્વારા સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સ્મશાનમાં કામ કરવા જતા હોય ત્યારે તેમને રોકવામાં આવતા હતા તેવા કિસ્સા બનતા વિવાદો સર્જાયા હતા. આખરે ભાજપ દ્વારા જે સ્વૈચ્છિક સંસ્થાઓ સ્મશાન ગૃહોનું સંચાલન કરવા માગતી હોય તેઓને યથાવત રાખવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ છે સ્વૈચ્છિક સંસ્થાઓને કોર્પોરેશન સાથે એમઓયુ કરવા અને કોર્પોરેશનના એક કર્મચારી પણ સુપર વિઝન કરશે તેવી જાહેરાત કરી હતી.
દરમિયાનમાં છેલ્લા 50 વર્ષથી છાણી સ્મશાન ગૃહનું સંચાલન છાણી ગામના લોકોના દાનથી ચાલતા છાણી ધર્માદા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે હવે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશનને આ જવાબદારી કોન્ટ્રાક્ટરને સોંપી હતી તેને ધ્યાનમાં રાખી સ્મશાનમાં રાખવામાં આવેલા લાકડાનો જથ્થો અન્ય આજુબાજુના ગામોના સ્મશાનોને દાનમાં આપવાનું નક્કી કર્યું હતું. તે મુજબ ગઈકાલે રાત્રે ટ્રેક્ટરમાં લાકડા ભરીને લઈ જતા હતા તેની જાણ કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલને થતા તેઓએ તેમના અન્ય બે સાથી કોર્પોરેટર જહા ભરવાડ અને પુષ્પાબેન વાઘેલાને સ્થળ પર બોલાવ્યા હતા. જ્યાં ટ્રેક્ટરના ડ્રાઇવરોને પૂછપરછ કરવામાં આવતા તેઓએ સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ટ્રસ્ટનું સંચાલન કરતા સતીશ પટેલના કહેવાથી લાકડા લઈ જવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તે દરમિયાન સ્મશાન ખાતે સતીશ પટેલ તથા ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને કોંગ્રેસ દ્વારા ખોટી રીતે લાકડા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. તે અંગે કોંગ્રેસના કોર્પોરેટરો અને ગ્રામજનો વચ્ચે તું તું મેં મેં શરૂ થઈ હતી.
સ્મશાન ગૃહ ખાતે સતત અડધો કલાક સુધી ઉગ્ર ચર્ચા અને બોલાચાલી ચાલુ રહેતા અચાનક ગ્રામજનોના રોષનો ભોગ કોર્પોરેટરો બન્યા હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટર સાથે ઝપાઝપી ધક્કા મૂક્કી કરતા મામલો ગરમાયો હતો. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો જ્યાં બંને પક્ષ દ્વારા લેખિતમાં અરજી આપી કાર્યવાહી કરવાની માગ થઈ હતી. આ અંગેની જાણ કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થું તેમજ ભાજપના પરાક્રમ સિંહ જાડેજા વગેરેને થતા પોલીસ સ્ટેશન પહોંચી જઈ બંને પક્ષને સમજાવ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું.
દરમિયાનમાં કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ અને જહા ભરવાડે સ્પષ્ટ જણાવ્યું હતું કે છાણી ધર્માદા ટ્રસ્ટ થકી સ્મશાનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કોઈ ભાજપના આગેવાનના પર્સનલ ફંડથી કામગીરી થતી નથી છાણીના લોકોના દાનથી સમગ્ર સંચાલન થઈ રહ્યું છે ત્યારે આ લાકડાનો ઉપયોગ જાણી ગામના લોકો માટે થવો જ જોઈએ તેવી અમારી રજૂઆત હતી. પરંતુ ભાજપના આગેવાને સ્મશાન ગૃહ ખાતે આવીને અમારી માલિકીના લાકડા છે અને તે આજુબાજુના ગામમાં મોકલવાના છે તેમ કહી ઝપાઝપી કરી હતી.
સ્થાયી સમિતિ પૂર્વ અધ્યક્ષ અને છાણી ધર્માદા ટ્રસ્ટના વહીવટ કર્તા સતીશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 50 વર્ષથી આ ટ્રસ્ટ સ્મશાનનું સંચાલન કરે છે અને સારામાં સારી કામગીરી કરી રહ્યું છે. પરંતુ કોર્પોરેશનને સ્મશાન ગૃહનું ખાનગીકરણ કર્યું છે ત્યારે લાકડા છાણા પૂળા અને આખરી સામાન આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા સ્મશાનમાં રાખવામાં આવેલો લાકડાનો જથ્થો આજુબાજુના ગામોના સ્મશાનમાં દાન આપવાનું નક્કી કર્યું હતું તે મુજબ લાકડા મોકલવામાં આવી રહ્યા હતા પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરો એ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હોબાળો થયો હતો.