(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
અમદાવાદના માધુપુરા માર્કેટથી નમસ્તે ચાર રસ્તા પાસેથી જમણી તરફ આવેલા શાહીબાગ ઓવર બ્રિજને આજે સવારથી એકાએક બંધ કરી દેતા સંપૂર્ણ ટ્રાફિકને શાહીબાગ અન્ડરબ્રિજ તરફ વાળવાની ફરજ પડતાં આજે સવારથી નોકરીએ જવા નીકળેલા હજારો લોકો નોકરી પર મોડા પડયા હતા. તેમ જ તેમને સાંજે પરત ફરવામાં પણ રોજ લાગતા સમય કરતાં બમણાથી ચાર ગણો સમય લાગ્યો હતો. પ્રજાને આગોતરી જાણકારી આપ્યા વિના એકાએક બ્રિજ બંધ કરીને શહેરના સત્તાવાળાઓ પ્રજાની પરેશાની વધારી રહ્યા છે.
સાબરમતીથી છૂટનારી બુલેટ ટ્રેનને લગતા કામકાજ માટે એકાએક સવારથી શાહીબાગ ઓવરબ્રિજ બંધ કરી દેવાતા હાલાકી વધી
સાબરમતીથી ઉપડનારી બુલેટ ટ્રેનને લગતા કામકાજ માટે આજે સવારથી શાહીબાગ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણામે શાહીબાગથી દિલ્હી દરવાજા થઈને અમદાવાદ પશ્ચિમના અન્ય વિસ્તારોમાં નોકરી માટે કે ધંધા માટે જનારાઓની હાલાકી વધી ગઈ હતી. શાહીબાગ ઓવરબ્રિજથી દિલ્લી દરવાજા સુધી પહોંચવામાં સામાન્ય રીેત પાંચથી સાત મિનિટ લાગે છે તેને બદલે આજે સવારે શાહીબાગ અન્ડરબ્રિજમાંથી ભયંકર ટ્રાફિક વચ્ચેથી પસાર થવું પડયું તેને પરિણામે પ્રવાસીઓનેે આ ડિસ્ટન્સ પાર કરતાં ૪૫ મિનિટથી વધુ સમય લાગ્યો હતો. ગાંધીનગરથી બસમાં કે ખાનગી વાહનમાં દિલ્હી દરવાજા થઈને અમદાવાદના અન્ય વિસ્તારોમાં જનારાઓ પણ ટ્રાફિક જામને કારણે હેરાનપરેશાન થઈ ગયા હતા.
મેમ્કો અને મેઘાણી નગરથી દિલ્હી દરવાજા થઈને અમદાવાદના જુદાં જુદાં વિસ્તારમાં જતાં લોકોના હાલાકીનો પણ પાર રહ્યો નહોતો. નોકરીમાં પોણોથી એક કલાક મોડા પડયા હતા. સાંજે ઘરે પરત ફરતી વેળાઓ પણ આ જ તકલીફનો સામનો કરવો પડયો હતો.