વડોદરાઃ બરોડાડેરીના દૂધ ઉત્પાદકો માટે વારંવાર રજૂઆતો કરનાર સાવલીના ભાજપના ધારાસભ્યના ૪૧ મુદ્દાઓને આગળ ધરી હવે વડોદરા જિલ્લા કોંગ્રેસે લડત ઉપાડી છે.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ આજે જિલ્લા રજિસ્ટ્રારને આપેલા આવેદનપત્રમાં બરોડાડેરી માટે ધારાસભ્યએ ઉઠાવેલા ૪૧ મુદ્દાઓની તમામ વિગતો માંગવામાં આવી છે.આ ઉપરાંત ડેરી દ્વારા બરોડા સેન્ટ્રલ બેન્ક મારફતે જ ટ્રાન્ઝેક્શનનો આગ્રહ રાખવામાં કેમ આવે છે તેના પરિપત્ર, ઓડિટ અને એજીએમ કેમ થયા નથી જેવા મુદ્દે વિગતો માંગવામાં આવી છે.આ ઉપરાંત મેરાકુવા મંડળીની પણ વિગતો માંગી છે.
બરોડા ડેરીના ઉપપ્રમુખે આ અંગે કહ્યું છે કે,રાજ્ય સરકારે જ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારનો આદેશ આપ્યો હોવાથી સહકારી બેન્કમાં વ્યવહારો થાય છે.સરકારે વર્ષો બાદ ઓડિટની પધ્ધતિ બદલી હોવાથી વિલંબ થયો છે.આ વખતે ૬૬ નવા અને વિસ્તૃત માહિતીના પત્રકો માંગ્યા છે.૧૫ દિવસમાં રિપોર્ટ થઇ જશે અને આ મહિનામાં એજીએમ પણ થઇ જશે.ખેડૂતોને ભાવફેર પણ ચૂકવાઇ જશે.