US India Trade Relation: ટેરિફ મુદ્દે અમેરિકા સાથે તણાવ વચ્ચે આજે સવારે અહેવાલ આવ્યા હતાં કે, ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. ટેરિફના વલણ બાદ ભારત અમેરિકા પાસેથી જેટ્સ ખરીદશે નહીં. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી છે કે, આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી.
વિદેશ મંત્રાલયને પૂછ્યું હતું કે, શું અમેરિકાએ ભારતને F-35 જેટ ખરીદવાની ઓફર આપી છે? અને તાજેતરના બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે ભારતે અમેરિકાની ઓફર ફગાવી દીધી છે. તેના જવાબમાં, વિદેશ મંત્રાલયે લોકસભામાં લેખિતમાં કહ્યું કે, ‘આ મુદ્દા પર હજુ સુધી કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી.’ MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દા પર ટિપ્પણી કરી છે.
આ સંદર્ભે સંબંધિત મંત્રાલય જવાબ આપી શકશે
રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત ભાગીદારી છે અને તે તાજેતરના સમયમાં વધુ મજબૂત બની છે. આ ભાગીદારી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અમેરિકા સાથે મળીને અમે 21મી સદીની ભારત-અમેરિકન કોમ્પેક્ટ પાર્ટનરશીપ કરી છે જે સંબંધોને વેગ આપશે. જ્યાં સુધી F-35નો સવાલ છે, આ સંદર્ભે સંબંધિત મંત્રાલય યોગ્ય જવાબ આપી શકશે.’
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જવાબ! અમેરિકન F-35 વિમાન ખરીદવાનો પ્લાન ‘કેન્સલ’ : રિપોર્ટ
MEAએ ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ અંગે શું કહ્યું?
રણધીર જયસ્વાલે ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર યુએસ પ્રતિબંધો અંગેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, ‘અમે પ્રતિબંધોની નોંધ લીધી છે અને અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ.ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. તે વચ્ચે ટ્રમ્પે 25 ટકા ટેરિફ લાદ્યો છે. જ્યાં સુધી ટેરિફનો પ્રશ્ન છે, તો તેના વિશે વ્હાઈટ હાઉસ પાસેથી જવાબ માગવો ઉચિત રહેશે.
સંરક્ષણ ક્ષેત્રે મજબૂત ભાગીદારી
બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મજબૂત ભાગીદારી હોવાનું જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘આ ભાગીદારીએ ઘણા ફેરફારો અને પડકારોનો સામનો કર્યો છે. અમે તે નક્કર એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જેના માટે અમારા બંને દેશો પ્રતિબદ્ધ છે અને અમે માનીએ છીએ કે આ સંબંધ ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે.’