અમદાવાદ : અમેરિકાએ ચીન સાથેના ટેરિફ યુદ્ધમાં ૯૦ દિવસના વિરામની જાહેરાત કર્યા પછી ભારતીય કેરિયર્સમાં ચિંતા વધી ગઈ છે. ચીની માલ મોકલવાની ઉતાવળને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપનું જોખમ વધ્યું છે. યુએસ-ચીન કામચલાઉ ટેરિફ ઘટાડાની જાહેરાત શિપર્સને ૯૦ દિવસનો સમય આપે છે. ઓસ્લો સ્થિત માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ જેનેટાના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન, કાર્ગો કેરિયર્સ શક્ય તેટલી વધુ આયાત કરવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં, કાર્ગો ભીડ વધવાને કારણે, ટ્રાન્સ-પેસિફિક વેપારમાં કાર્ગોના સ્પોટ રેટ પર દબાણ વધશે.
આ જાહેરાતની અસર દેખાવા લાગી છે. તાજેતરમાં વૈશ્વિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ, ડ્અરી વર્લ્ડ કન્ટેનર ઇન્ડેક્સ, ૮ ટકા વધીને ૨,૨૩૩ ડોલર થયો હતો. ડ્રેવી ઇન્ડેક્સ આઠ પૂર્વ-પશ્ચિમ જળમાર્ગો પર નૂર દરનું સાપ્તાહિક માપ પૂરું પાડે છે. નોંધનીય છે કે આ વધારો ચીનથી અમેરિકા જતા કન્ટેનરના નૂર દરમાં લગભગ ૨૦ ટકા અથવા ૭૦૪ ડોલરના વધારાને કારણે થયો હતો. આ રૂટ પર ૪૦ ફૂટના કન્ટેનરનો સરેરાશ શિપિંગ ખર્ચ હવે ૪,૩૫૦ ડોલર છે.
ટેરિફ પર ૯૦ દિવસના યુદ્ધવિરામથી કન્ટેનર શિપિંગ વોલ્યુમમાં સંભવિત વધારા માટેનો માર્ગ મોકળો થયો છે. રાહતના આ સમયગાળા દરમિયાન, યુએસ અને ચીની બંદરો પર ભીડ વધી શકે છે. ભારતીય નિકાસકારોના દ્રષ્ટિકોણથી, આ કરારના બે પાસાં છે.
એક તરફ, નિકાસકારો માટે નિકાસ વધારવાની આ તક છે અને તેઓ ઓછી ડયુટીનો લાભ લઈને અમેરિકામાં નિકાસ વધારી શકે છે. બીજી શક્યતા એ છે કે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડી શકે છે, કારણ કે લોજિસ્ટિક્સ સેવાઓની માંગ ક્ષમતા મર્યાદાઓને કારણે નૂર દરમાં વધારો કરી શકે છે.
આ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, પરિવહન કરારની વાટાઘાટો કરતી વખતે ભારતીય વ્યવસાયોએ અવરોધો ઘટાડવા માટે સક્રિય અભિગમ અપનાવવો પડશે. આમાં સપ્લાય ચેઇન રૂટ્સનું મૂલ્યાંકન કરવું, હાલની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવો અને વિક્રેતાઓ સાથે સંકલન સુધારવાનો સમાવેશ થાય છે. કેટલાક માને છે કે ચીન અને અમેરિકા વચ્ચેનો આ સોદો પહેલાથી જ અસ્તવ્યસ્ત શિપિંગ ક્ષેત્રમાં સ્થિરતા લાવશે.
લોજિસ્ટિક્સ કંપનીઓના સુત્રોએ જણાવ્યું હતું કે, આગામી ૯૦ દિવસમાં કન્ટેનર દરો પરના દબાણમાં થોડી ટૂંકા ગાળાની રાહત મળી શકે છે. હવાઈ અને દરિયાઈ માલવાહક સમયપત્રકમાં પણ આગાહીની અપેક્ષા રાખી શકાય છે. ખાસ કરીને ટ્રાન્સ પેસિફિક અને એશિયા-યુરોપ રૂટ પર આવું થવાની સંભાવના છે. શરૂઆતમાં સ્પોટ રેટ વધશે, ત્યારબાદ, કેરિયર્સ ક્ષમતા ફરીથી ગોઠવશે અને દર ઘટવા લાગશે તેમ તે સ્થિર થશે.