શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા યુવાને ધમકી
ઘોઘારોડ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
ભાવનગર: ચિત્રા વિસ્તારના યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ત્રણ શખ્સે માર મારી ધમકી આપી હતી.
શહેરના ચિત્રા વિસ્તારના તપોવન સ્કૂલ પાછળ રહેતા નિકુલભાઈ અરવિંદભાઈ મોજીદ્રા આઠ માસ પહેલા અશોક ગોરધનભાઈ ગોહિલ પાસેથી ૩૦,૦૦૦ રૂપીયા માસિક ૩૦ ટકા વ્યાજે લીધેલા હતા. જેના મહીને રૂ.૬૦૦૦-૬૦૦૦ના વ્યાજ પેટે બે હપ્તા ગુગલ પેથી નિકુલભાઈએ ઓનલાઇન અશોકને ચૂકવ્યા હતા. ત્યારબાદ ચોમાસાની સીઝનમાં ધંધામાં મંદી આવતા નિકુલભાઈ પૈસા ચુકવી શક્યા ન હતા. જેને લઈ કુલ રૂ. ૩,૫૦,૦૦૦ ચુકવવાનુ અશોકે જણાવતા નિકુલભાઈએ કહેલ કે ૩૦ હજારના સાડા ત્રણ લાખ કેમ થઈ ગયા તેના જવાબમાં અશોકે વ્યાજ સાથે ચુકવવાનુ કહ્યું હતું. તેવામાં નિકુલભાઈએ કહેલ કે સગવડતા થશે તેમ કટકે કટકે ચુકવવાનું કહેતા અશોક અને બે અજાણ્યા શખ્સે ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે નિકુલભાઈએ ત્રણ શખ્સ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.