Jamnagar : જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાના બદલે બીજાની ત્રણ ગાયો દંડ ભરીને છોડાવી લઈ જવાનું કૌભાંડ પકડી લેવામાં આવ્યું છે, અને એક ઢોર માલિકની અટકાયત કરી લઇ પોલીસે છોટા હાથી અને ત્રણ પશુઓ કબજે કર્યા છે, અને એક વાડામાં સાચવી રાખ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની પાછળ રહેતા રોહિત પપ્પુભાઈ ભરવાડ, કે જેની માલિકીની રસ્તે રઝળતી ત્રણ ગાયોને જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડી લેવામાં આવી હતી, અને બેડેશ્વર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં મૂકવામાં આવી હતી.
દરમિયાન ઢોર માલિક રોહિત ભરવાડ મહાનગરપાલિકાની કચેરીમાં આવ્યો હતો, જ્યાં મહાનગરપાલિકાના અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજાને દંડની રકમ ભરીને પોતાની ગાયો છોડાવવા માટેની માંગણી કરી હતી. જેથી રાજભા જાડેજા દ્વારા તેને ઢોરના ડબ્બામાં લઈ જવામાં આવ્યો હતો, અને પોતાની ત્રણ ગાયોને શોધી લેવા માટે કહ્યું હતું.
તેથી તેણે બેડેશ્વરના ઢોરના ડબ્બામાંથી ત્રણ ગાયો પોતાની છે, તેમ કહીને ત્રણ ગાય છોડાવી હતી, અને જી.જે. ત્રણેય ગાય જી.જે.એ.એક્સ 3475 નંબરના છોટા હાથી વાહનમાં ભરી અને ઢોરને ડબ્બેથી લઈ જઈ રહ્યો હતો.
જે દરમિયાન રસ્તામાં વિજય ડાયાભાઈ રાતડીયા કે જે પણ પોતાની ગાય છોડાવવા માટે આવી રહ્યો હતો, અને તેણે છોટાહાથીમાં પોતાની ગાયો જોઈ હતી. જેથી તે વાહનને અટકાવ્યું હતું, અને મહાનગરપાલિકાના અધિકારી રાજભા જાડેજા ને જણાવ્યું હતું, કે રોહિત ભરવાડ જે ત્રણ ગાયો લઈ જઈ રહ્યો છે, તે ગાય તો પોતાની માલિકીની છે.
મહાનગર પાલિકા સાથે છેતરપિંડી કરીને બીજાના પશુઓ છોડાવીને ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યો છે, તેમ જણાવી સમગ્ર મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ઓળખની વિધી પૂરી થઈ ગયા બાદ મનપાના અધિકારી રાજભા જાડેજાએ ઢોરના ડબ્બામાં ખોટી ઓળખ આપી અન્ય પશુ માલિકની ત્રણ ગાયને લઈ જનાર રોહિત ભરવાડ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જેથી સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી.મોઢવાડિયાએ પશુ માલિક રોહિત ભરવાડની અટકાયત કરી લીધી છે, અને તેની સામે બી એન એસ કલમ 319(2), અને 318(4), મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ છોટાહાથી કબજે કરી લીધું છે. જ્યારે ત્રણ પશુઓને પણ છોડાવીને ગુરુદ્વારા નજીક એક ઢોરના વાડામાં સાચવીને રાખ્યા છે.