Panchmahal News: ગુજરાતમાં નકલી ડૉક્ટરોની બોલબાલા વધી રહી છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરાના વાઘજીપુર ગામેથી એલોપેથીની સારવાર આપતો બોગસ ડૉક્ટર ઝડપાયો છે. પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમ સાથે વાઘજીપુરમાં આવેલી રાજ ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, અલીઅજગર જેનુદ્દીન કાલીયાકુવાવાલા ડિપ્લોમા ઇન હોમિયોપેથી મેડિકલ સાયન્સ (DHMS)ની ડિગ્રી પર એલોપેથીની દર્દીઓને દવા આપતો હતો. આ મામલે પોલીસે અલીઅજગરની અટકાયત આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ક્લિનિકમાંથી 1 લાખ રૂપિયાથી વધુની એલોપેથી દવાઓ મળી
મળતી માહિતી અનુસાર, શહેરાના વાઘજીપુર ગામમાં ચાર રસ્તા નજીક છેલ્લા ઘણાં સમયથી હોમિયોપેથી ડિગ્રી પર અલીઅજગર કાલીયાકુવાવાલા રાજ ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે હોમિયોપેથી ડિગ્રી હોવા છતાં એલોપેથી સારવારની દાવા કરતા દર્દીઓને દવાઓ આપી રહ્યો હતો. આ મામલે એસ.ઓ.જી. પોલીસે દરોડા પાડતા ક્લિનિકમાંથી એલોપેથી દવાઓની પ્રિસ્ક્રિપ્શન અને 1,31,079 રૂપિયા એલોપેથી દવાઓ મળી આવી હતી. આ આરોપી અલીઅજગરની અટકાયત આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, નકલી ડૉક્ટરો ડિગ્રી કે લાયકાત વિના દર્દીની સારવાર કરી તેનો જીવ જોખમમાં મૂકે છે. બીમાર વ્યક્તિ પૂરી શ્રદ્ધા સાથે ડૉક્ટર પાસે જતો હોય છે પરંતુ જ્યારે તેની સારવાર કરનાર ડૉક્ટર નકલી છે એવી ખબર પડે તો તેના માથે જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે.